આગામી પાંચ વર્ષ યુકે માટે સૌથી મુશ્કેલ અને ભયજનકઃ રિશી સુનાક

આગામી સંસદની ચૂંટણી યુકેની સુરક્ષાના મુદ્દા પર લડવા વડાપ્રધાનનો સંકેત, લેબર પાર્ટી અને સર કેર સ્ટાર્મર પર આકરા પ્રહાર

Tuesday 14th May 2024 10:39 EDT
 
 

લંડનઃ આગામી સંસદની ચૂંટણી યુકેની સુરક્ષાના મુદ્દા પર લડવાના મનસૂબા વડાપ્રધાન રિશી સુનાકે જાહેર કરી દીધાં છે. એક રાજકીય સંબોધનમાં લેબર પાર્ટી અને તેના નેતા સર કેર સ્ટાર્મર પર આકરા પ્રહાર કરતાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં તમારે એ મુદ્દા પર પસંદગી કરવાની રહેશે કે તમને કોના પર એવો વિશ્વાસ છે કે તે તમને સુરક્ષિત રાખી શકે છે. સ્ટાર્મરના ભૂતકાળના પગલાં દર્શાવે છે કે લેબર નેતાના હાથમાં આપણો દેશ સુરક્ષિત નથી.

પોલિસી એક્સચેન્જ થિન્ક ટેન્કને સંબોધન કરતાં સુનાકે જણાવ્યું હતું કે, યુકેના ઇતિહાસમાં આગામી પાંચ વર્ષ સૌથી મુશ્કેલ અને ભયજનક રહેશે. યુકેની સામે રશિયા, ઇરાન, નોર્થ કોરિયા અને ચીન જેવા સરમુખત્યાર દેશોની ધરી ધમકીરૂપ બની રહી છે. દેશની સામે ગેરકાયદેસર માઇગ્રેશન, વિભાજિત કરનારા સાંસ્કૃતિક મુદ્દા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે સર્જાનારી સમસ્યાઓ પણ મુખ્ય પડકાર બની રહેશે.

વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, કટ્ટરવાદીઓ આપણને વિભાજિત કરવા માટે વૈશ્વિક વિખવાદોનો દુરુપયોગ કરી રહ્યાં છે. તેઓ આપણા મુક્ત લોકતાંત્રિક મૂલ્યો, વાણી સ્વતંત્રતા અને વિરોધ કરવાના અધિકારનો દુરુપયોગ કરે છે.

જોકે વડાપ્રધાને એમ પણ જણાવ્યું હતું કે, હું ભવિષ્ય માટે ઘણો આશાવાદી પણ છું. હું આગામી ચૂંટણીને એવી રીતે લડીશ કે મતદારોએ ભવિષ્યની યોજનાઓ ધરાવતી પાર્ટી અને ભૂતકાળને વાગોળતી રહેતી પાર્ટી વચ્ચે પસંદગી કરવી પડે. કન્ઝર્વેટિવ પાર્ટી વિવિધ મુદ્દાઓ પર યોજના ધરાવે છે. લેબર પાઈટી નકારાત્મક એજન્ડા સાથે ચૂંટણી લડે છે. લેબર પાર્ટી પાસે ભવિષ્યની કોઇ યોજના જ નથી. તેમણે દરેક મુદ્દા પર યુ ટર્ન લીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter