આગામી બજેટમાં કરવેરામાં કાપ મૂકવાનો જેરેમી હન્ટનો સ્પષ્ટ ઇનકાર

કરવેરામાં કાપ પહેલાં મોંઘવારી ઘટાડવી આવશ્યક - ચાન્સેલર

Wednesday 01st February 2023 05:29 EST
 
 

લંડન

આગામી નાણાકીય વર્ષમાં કરવેરામાં કોઇ કાપ મૂકવામાં આવે તેવી કોઇ સંભાવના દેખાતી નથી. માર્ચમાં રજૂ થનારા બજેટ પહેલાંના સંબોધનમાં ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું છે કે આર્થિક વૃદ્ધિને વેગ આપવા ફુગાવો ઘટાડવો આવશ્યક છે. કરવેરામાં કાપ મૂકતાં પહેલાં કિંમતોમાં ઘટાડો થવો અત્યંત જરૂરી છે. ફુગાવામાં ઘટાડો એ જ અત્યારે તો સૌથી સારો કરવેરામાં કાપ છે.

લંડનમાં બ્લૂમબર્ગના મુખ્યમથક ખાતે હન્ટે જણાવ્યું હતું કે, સરકાર સમગ્ર યુકેમાં વિવિધ સેક્ટરમાં વૃદ્ધિ માટે યોજનાઓ તૈયાર કરી રહી છે. સરકાર ડિજિટલ ટેકનોલોજી, ગ્રીન ઇન્ડસ્ટ્રી, લાઇફ સાયન્સ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર નબળી ઉત્પાદકતાને સુધારવા લાંબાગાળાની યોજના તૈયાર કરી રહી છે.

બીજીતરફ યુકેનું અર્થતંત્ર મિશ્ર પ્રતિભાવ આપી રહ્યું છે. યુકેમાં ફુગાવાના દરમાં થોડો ઘટાડો નોંધાયો છે પરંતુ દૂધ સહિતના ખાદ્યપદાર્થોની કિંમતો હજુ પણ 40 વર્ષની ટોચ પર છે. વેતનોમાં છેલ્લા 20 વર્ષનો સૌથી ઝડપી  વધારો થયો છે તેમ છતાં મોંઘવારીની સામે અપુરતો પૂરવાર થયો છે.

આર્થિક રીતે નિષ્ક્રિય લોકોને કામ પર પરત ફરવા ચાન્સેલરની અપીલ

ચાન્સેલર જેરેમી હન્ટે હજુ કામ કરી શકે તેવા પેન્શનરો અને બીમારીના બહાને કામ નહીં કરતા લોકોને કામ પર પાછા ફરવા અપીલ કરી છે. બ્રિટનના અર્થતંત્રને ઉગારવા અને કુશળ કર્મચારીઓની અછત નિવારવા માટે ચાન્સેલરે વહેલી નિવૃત્તિ લેનારા અને કોરોના મહામારી બાદ નોકરી છોડી દેનારા લોકોને કામ પર પાછા ફરવા જણાવ્યું છે. યુકેમાં બેરોજગારીનો દર છેલ્લા 50 વર્ષની સૌથી નીચી સપાટી પર છે તો કામદારોની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. સરકાર આ પ્રકારના લોકોને ઇનએક્ટિવ કહી રહી છે. હન્ટે જણાવ્યું છે કે કામ કરી શકે તેવા પુખ્તોના 20 ટકા અત્યારે આર્થિક રીતે નિષ્ક્રિય છે. દેશમાં 50 લાખ લોકો એવા છે જે કામ કરવા ઇચ્છતા નથી. હું તેમને કહેવા માગુ છું કે બ્રિટનને તમારી જરૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter