લંડનઃ માર્ચ મહિનામાં રજૂ થનારા બજેટમાં કરવેરામાં મોટી રાહત અપાય તેવા સંકેતો પ્રાપ્ત થઇ રહ્યાં છે. વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે હું કરવેરામાં કાપ મૂકવા ઇચ્છું છું. હું ઇચ્છું છું કે જનતાના ખિસ્સામાં વધુ નાણા રહે જેથી તેઓ તેમની ઇચ્છા પ્રમાણેની ખરીદી કરી શકે. અગાઉ ચાન્સેલર જેરેમી હન્ટ પણ જણાવી ચૂક્યા છે કે અર્થતંત્રમાં સુધારો થઇ રહ્યો છે તેથી સરકાર કરવેરામાં કાપની દિશામાં આગળ વધી શકે છે.
નેશનલ ઇન્શ્યુરન્સમાં બે ટકાના ઘટાડાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, વડાપ્રધાન તરીકેના મારા કાર્યકાળમાં કોસ્ટ ઓફ લિવિંગ એક પ્રભાવી મુદ્દો છે અને તેથી સરકાર જનતાને કરવેરામાં રાહત આપે તે મારા માટે મહત્વનું છે. હું માનુ છું કે આકરા પરિશ્રમનું ફળ મળવું જોઇએ. જનતા આકરો પરિશ્રમ કરી રહી છે જેથી તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે ખર્ચ કરવા વધુ નાણા કમાઇ શકે. હું પણ જનતાની ઇચ્છા અંગે જ વિચારી રહ્યો છું. હું જનતાની ઇચ્છા પૂરી કરવા માગુ છું અને અમે તે પુરી કરી શકીશું તેની મને ખુશી છે.
ફુગાવાના દરમાં થયેલા વધારા પર સુનાકે જણાવ્યું હતું કે, ફુગાવો સીધી લીટીમાં ઘટતો નથી. હાલમાં ફુગાવાનો દર 11 ટકાથી ઘટીને 4 ટકા પર આવી ગયો છે તેનો અર્થ એ કે સરકારની નીતિઓ કામ કરી રહી છે. તેથી સરકાર કરવેરામાં કાપ મૂકવા સક્ષમ બની છે. જો જનતાને શાંતિ આપવી હોય તો અમારે અમારી નીતિઓને વળગી રહેવું પડશે.


