લંડન
યુકેના ફાઇનાન્સિયલ રેગ્યુલેટરે ચેતવણી આપી છે કે આગામી બે વર્ષમાં 7,50,000 પરિવારો તેમના મોર્ગેજના બિલ ચૂકવી શકશે નહીં. હાઉસ ઓફ કોમન્સ ટ્રેઝરી કમિટીને લખેલા પત્રમાં ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે 2022ના મધ્યભાગ સુધીમાં જ બે લાખ પરિવારો હોમ લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યાં હતાં. હવે આગામી બે વર્ષમાં વધુ 5,70,000 પરિવાર તેમની હોમલોનના હપ્તા ચૂકવી શકે તેવી સ્થિતિમાં રહેશે નહીં. તેમના મોર્ગેજ બિલ તેમની આવકના 30 ટકા કરતાં ઉપર વધી જશે. જો 7,70,000 પરિવાર મોર્ગેજ બિલ ચૂકવવામાં ડિફોલ્ટ થશે તો મોર્ગેજ ઓવરડ્યૂ 9 ટકા સુધી વધી જવાનું જોખમ રહેલું છે.
એફસીએએ જણાવ્યું છે કે પરિવારોની આવક ફુગાવાના 10.7 ટકાના દરની સરખામણીમાં 10 ટકા ઘટી ગઇ છે. નોકરી ગુમાવવાને કારણે કેટલાક પરિવારોની આવકમાં મોટો ઘટાડો થઇ શકે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે જણાવ્યું હતું કે, આ વર્ષે 14 લાખ પરિવારોએ ઊંચા વ્યાજ સાથે લોનના હપ્તા ચૂકવવા પડશે. ગયા મહિને બેન્ક ઓફ ઇંગ્લેન્ડની પોલિસી કમિટીએ પણ આજ પ્રકારની ચેતવણી જારી કરી હતી. કમિટીએ જણાવ્યું હતું કે, મોંઘવારી અને ઊંચા વ્યાજદરોના કારણે પરિવારોને ભારે કરકસર કરવી પડી રહી છે. તેના કારણે પરિવારોની બચતોમાં પણ ઘટાડો થઇ રહ્યો છે.


