લંડનઃ પાસપોર્ટ રિન્યૂઅલની જરૂર છે તેવા લોકો માટે માઠા સમાચાર છે. આગામી મહિનાથી પાસપોર્ટ ફીમાં 7 ટકા કરતાં વધુનો વધારો થવા જઇ રહ્યો છે. હોમઓફિસે જણાવ્યા અનુસાર 16 કે તેથી વધુ વયના ઓનલાઇન અરજકર્તાઓએ આગામી મહિનાથી પાસપોર્ટ માટે 82.50 પાઉન્ડને બદલે 88.50 પાઉન્ડ ચૂકવવા પડશે. 16 વર્ષથી નાના બાળકોના પાસપોર્ટ માટે 53.50ના સ્થાને 57.50 પાઉન્ડ ચૂકવવાના રહેશે. પોસ્ટલ એપ્લિકેશન અને વિદેશમાંથી કરાતી અરજીઓ માટે પણ સમાન ફી ચૂકવવાની રહેશે. જો કે આ સુધારા માટે સંસદની મંજૂરીની જરૂર છે. અંદાજ છે કે નવી ફીનો પ્રારંભ 11 એપ્રિલથી થશે.
હોમ ઓફિસે જણાવ્યું હતું કે, નવી ફીના કારણે પાસપોર્ટ ડિલિવર કરવા અને અન્ય ઓપરેશનલ ખર્ચમાં થયેલા વધારાને પહોંચી વળવામાં મદદ મળશે. તેના કારણે સરકારની તિજોરી પરનો બોજો ઘટશે. સરકાર પાસપોર્ટ જારી કરવાની ફીમાંથી કોઇ નફો રળતી નથી. આ ફીમાંથી પાસપોર્ટ જારી કરવા માટેનો ખર્ચ, વિદેશમાં કોન્સ્યુલર સપોર્ટ વગેરેનો ખર્ચ કાઢવામાં આવે છે.