લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે ૭મી ઓગસ્ટે સ્પષ્ટતા કરી હતી કે યુકેના આગામી વડા પ્રધાન બનવાની તેમની કોઈ ઈચ્છા નથી. પરંતુ, તેમણે સ્વીકાર્યું હતું કે કોરોના વાઈરસ મહામારીના આફ્ટરશોકમાં હાલ ઝઝૂમી રહેલા બ્રિટનના તૂટી પડેલા અર્થતંત્રને પુનઃ ચેતનવંતુ બનાવવા માટેના પ્રયાસમાં દિવસરાત કામ કરતા હોવાથી ખૂબ થાકી ગયા છે.
ટાઈમ્સ રેડિયોના પત્રકારે તેમને જણાવ્યું હતું કે તેઓ ખૂબ થાકેલા જણાય છે અને હાલની કટોકટીએ બ્રિટનના આગામી વડા પ્રધાન બનવાની તેમની ઈચ્છા ઓછી કરી નાંખી છે કે કેમ તેવા પ્રશ્રના જવાબમાં સુનાકે જણાવ્યું હતું,‘મને તેવી કોઈ ઈચ્છા નથી.’ સુનાકે જણાવ્યું હતું કે તેઓ ખૂબ થાકી ગયા છે અને પરિવારને પણ પૂરતો સમય ફાળવી શક્યા નથી. પોતે જીમમાં પણ જઈ શકતાં નથી. તેમણે ઉમેર્યું હતું કે,‘ હું થાકી ગયેલો લાગું છું. હું દિલગીર છું. હું આ વાતને સૂચન તરીકે ગણીશ અને આગામી વીકેન્ડમાં મારી જાતમાં ચેતનાનો સંચાર કરવાનો પ્રયાસ કરીશ.’
ખાસ કરીને તાજેતરમાં કેબિનેટમાં થયેલી બઢતી અને નં.૧૧ ખાતે તેમના કામકાજને લઈને વ્યાપક અટકળો ચાલી હતી કે વડા પ્રધાન બોરિસ જહોન્સનનું સ્થાન એક દિવસ સુનાક લેશે. ખાસ કરીને ભૂતપૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદ સાથેની પડતી બાદ સુનાકને બોરિસ જહોન્સનના ફેવરિટ માનવામાં આવે છે.


