આગામી વર્ષથી ટ્યુશન ફી વધશે

Saturday 23rd July 2016 06:50 EDT
 
 

લંડનઃ ઈંગ્લિશ યુનિવર્સિટીઓ આગામી વર્ષથી ટ્યુશન ફીમાં વધારો કરાશે તેવી જાણ સંભવિત વિદ્યાર્થીઓને કરી રહી છે. માન્ચેસ્ટર અને ડરહામ યુનિવર્સિટીએ સપ્ટેમ્બર ૨૦૧૭થી નવા વિદ્યાર્થીઓ માટે ૨.૮ ટકાના વધારા સાથે ૯,૨૫૦ પાઉન્ડ ફી લેવાની જાહેરાત કરી છે. અત્યારે વધુમાં વધુ ફી ૯,૦૦૦ પાઉન્ડ લેવાય છે, જેનો અમલ ૨૦૧૨થી કરાયો હતો.

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ સપ્ટેમ્બર મહિનામાં નવી ફીનો આંકડો જાહેર કરવા જણાવ્યું છે. બીજી અનેક યુનિવર્સિટીઓએ પણ ૨૦૧૭ની ફી નિર્ધારિત કે પ્રસિદ્ધ કરવાનું હજુ બાકી હોવાનું જણાવ્યું છે. સરકાર આ વર્ષના ઉત્તરાર્ધમાં ફીવધારાની બાબત પાર્લામેન્ટ સમક્ષ મૂક્યા પછી તેને બહાલી મળશે. જોકે, તે ઔપચારિકતા જ બની રહેશે કારણકે મિનિસ્ટર જો જ્હોન્સને મે મહિનામાં ૨૦૧૭-૧૮થી ૨.૮ ટકાના ફીવધારાની જાહેરાત કરી જ છે.

ગયા વર્ષે યુનિવર્સિટીઓને અંડરગ્રેજ્યુએટ ટ્યુશન ફીની આવક તરીકે લગભગ ૯ બિલિયન પાઉન્ડની આવક મળી હતી. ડાયરેક્ટ સરકારી પેમેન્ટ તરીકે વધારાના ૩ બિલિયન પાઉન્ડ મળશે. ૨૦૧૭ના ફીવધારાથી તેમની સંયુક્ત આવકમાં વર્ષે ૨૫૦ મિલિયન પાઉન્ડની વૃદ્ધિ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter