લંડનઃ ઈંગ્લેન્ડના પરિવારો આગામી વર્ષે પાંચ ટકાના કાઉન્સિલ ટેક્સ ચૂકવવા તૈયાર રહે તેવી ચેતવણી કોમ્યુનિટીઝ સેક્રેટરી રોબર્ટ જેનરિકે આપી છે. કોવિડ મહામારી પછીના સમયગાળામાં ટેક્સ વધવા સાથે સેવાઓમાં ઘટાડાની શક્યતા લોકોને પરેશાન કરી મૂકશે.
કોમ્યુનિટીઝ સેક્રેટરી રોબર્ટ જેનરિકે કહ્યું હતું કે ઈંગ્લેન્ડની કાઉન્સિલો રેફરન્ડમ વિના જ બે ટકા સુધી ટેક્સ વધારી શકે છે અને સ્થાનિક ઓથોરિટીઝ ટેક્સવધારો અમલી બનાવવા વિશે નિર્ણય લઈ શકે છે. ૨૦૨૧-૨૨ના વાર્ષિક સેટલમેન્ટથી વયસ્કો અને બાળકોની સામાજિક સંભાળ સહિતની મહત્ત્વની જાહેર સેવાઓ માટે તેમને વધારાના ૨.૨ બિલિયનનું ભંડોળ મળી શકે તેમ છે. સરકારની યોજનાઓ હેઠળ તેમના મહત્ત્વના ખર્ચાની સત્તા રોકડના ધોરણે ૪.૫ ટકા જેટલી વધી શકે છે.
લેબર ફ્રન્ટબેન્ચર અને શેડો કોમ્યુનિટીઝ સેક્રેટરી સ્ટીવ રીડે જણાવ્યું હતું કે લોકલ ઓથોરિટીઝને ફંડમાં ભારે ખાઈનો સામનો કરવો પડશે જેના કારણે ફ્રન્ટલાઈન સર્વિસીસને ફંડમાં કાપ અને લાઈબ્રેરીઝ અને યુથ સેન્ટર્સ જેવી કોમ્યુનિટી એસેટ્સ બંધ કરવાની ફરજ પડશે.
જેનરિકે ઉત્તરમાં જણાવ્યું હતું કે કાઉન્સિલોએ કોવિડ-૧૯ના સામના માટે અપાયેલા ૭.૨ બિલિયન પાઉન્ડમાંથી ૪ બિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો છે અને ઓથોરિટીઝના અંદાજ અનુસાર માર્ચ સુધીમાં તેમનો ખર્ચ લગભગ ૬.૨ બિલિયન પાઉન્ડ સુધી હશે. તેમણે કાઉન્સિલ ટેક્સ મુદ્દે કહ્યું હતું કે લોકલ કાઉન્સિલ્સ કોઈ પણ રીતે કાઉન્સિલ ટેક્સ વધારવાની જવાબદારી ધરાવતી નથી.