લંડનઃ હોમ ઓફિસ આગામી વસંત ઋતુથી રાજ્યાશ્રયવાંચ્છુઓને હોટેલોમાંથી ખસેડવાનું શરૂ કરશે. હોમ સેક્રેટરી સરકાર તરફથી રાજ્યાશ્રયવાંચ્છુઓને અપાતી સહાયનો પણ અંત લાવી શકે છે. શબાના માહમૂદ જે માઇગ્રન્ટ્સ આર્થિક રીતે પોતાની મદદ કરી શકે છે પરંતુ કામ કરતા નથી, જે કાયદાનો ભંગ કરે છે અથવા ગેરકાયદેસર રીતે કામ કરે છે અને જેઓ યુકે છોડી જવાના આદેશનો અનાદર કરે છે તેમને લક્ષ્યાંક બનાવશે.
શબાના માહમૂદ આ પગલાં દ્વારા હાલમાં સરકાર પાસેથી રહેવાની અને આર્થિક સુવિધા પ્રાપ્ત કરી રહેલા 1,11,651 રાજ્યાશ્રયવાંચ્છુઓ પૈકીના હજારોની સહાય બંધ કરી શકશે. હાલ 36000 રાજ્યાશ્રયવાંચ્છુ હોટેલોમાં આશ્રય લઇ રહ્યાં છે. હોમ ઓફિસના જણાવ્યા અનુસાર હાલ 200 કરતાં ઓછી હોટેલમાં માઇગ્રન્ટ્સને રાખવામાં આવી રહ્યાં છે.
સરકાર ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવી રહેલા માઇગ્રન્ટ્સની સંખ્યામાં ઘટાડો થયો છે અને અસાયલમ બિલમાં કાપ મૂકાયો છે તેવું પૂરવાર કરવા પ્રયાસ કરી રહી છે. માહમૂદે જણાવ્યું હતું કે, એપ્રિલ 2026 સુધીમાં વધુ હોટેલો બંધ કરી દેવાશે.
સરકાર રાજ્યાશ્રયવાંચ્છુઓને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા મિલિટરી બેરેકો, મ્લ્ટીપલ ઓક્યુપેશન હાઉસનો ઉપયોગ કરવાની વિચારણા કરી રહી છે.
6 ઇમિગ્રેશન ઓફિસર પર માઇગ્રન્ટ્સના માલસામાનની ચોરી અને મની લોન્ડરિંગના આરોપ
લંડનઃ 6 ઇમિગ્રેશન ઓફિસર પર માઇગ્રન્ટ્સના માલસામાનની ચોરી અને મની લોન્ડરિંગના આરોપ ઘડાયા છે. તેમના પર સરકારી હોદ્દાના દુરુપયોગ અને ચોરીના કાવતરાના આરોપ પણ મૂકાયા છે. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે બેસમિર માતેરા, લી-એન ઇવાન્સન, જોન બર્નથલ, બેન એડવર્ડ્સ, જેક મિચેલ અને ડેવિડ ગ્રુંડી સામે ખટલો ચલાવવાનો નિર્ણય કર્યો છે.


