આગામી શિયાળામાં પણ વીજળી બચાવનારા પરિવારોને આર્થિક વળતર અપાશે

ગયા શિયાળામાં આ યોજના અંતર્ગત 1.6 મિલિયન પરિવારે 3300 મેગાવોટ વીજળી બચાવી હતી

Tuesday 05th September 2023 12:06 EDT
 
 

લંડનઃ બ્રિટનની નેશનલ ગ્રીડ આગામી શિયાળામાં પણ વીજળીનો વપરાશ ઘટાડનારા પરિવારોને આર્થિક વળતર આપવાની યોજનાનો અમલ કરશે. ગયા શિયાળામાં પણ આ પ્રકારની યોજનાના કારણે વીજળીની અછત ઘટાડવામાં સહાય મળી હતી. ડિમાન્ડ ફ્લેક્સિબિલિટી સર્વિસ અંતર્ગત પોતાના સપ્લાયરો સાથે અનુબંધિત થનારા પરિવારોને વીજળીની માગ સૌથી વધુ હોય તે સમયગાળામાં ઓવન અને ડિશ વોશર જેવા એપ્લાયન્સિઝનો ઉપયોગ નહીં કરવા માટે પરિવારોને આર્થિક વળતર ચૂકવાયું હતું. આ વળતર વીજળીના બિલમાં રાહત તરીકે ચૂકવાયું હતું. ઘરો અને વ્યવસાયોને વીજળીનો વપરાશ ઘટાડવાની નવેમ્બરથી માર્ચ સુધીની યોજનામાં જોડાવા અપીલ કરાશે.  તેઓને બદલામાં તેમના બિલમાં વળતર અપાશે. નવેમ્બર અને ડિસેમ્બરમાં પ્રતિ કિલોવોટ કલાક મહત્તમ £3 ચૂકવવાની નેશનલ ગ્રીડ ESOએ જાહેરાત કરી છે.

ગયા શિયાળમાં 1.6 મિલિયન બ્રિટિશ પરિવાર આ યોજનામાં સામેલ થયાં હતાં જેના પગલે 3300 મેગાવોટ અવર વીજળીની બચત કરી શકાઇ હતી. આટલી વીજળી 10 મિલિયન મકાનોને પૂરવઠો પૂરો પાડવામાં સક્ષમ છે. નેશનલ ગ્રીડની ઇલેક્ટ્રિસિટી સિસ્ટમ ઓપરેટરે જણાવ્યું છે કે અમને આશા છે કે આ વખતે અમે વધુ પરિવારને આ યોજનામાં સામેલ કરી શકીશું. ગયા શિયાળામાં આ યોજનામાં જોડાયેલા 83 ટકા પરિવારે ફરી આ યોજનામાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter