લંડનઃ યુકેમાં ફ્લૂનો રોગચાળો વ્યાપક બનતાં એનએચએસ દ્વારા તાકિદની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીના નવા આંકડા અનુસાર ફ્લૂના કારણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઇ રહેલાં દર્દીની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના કાળ કરતાં પણ વધુ સંખ્યામાં દર્દી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી રહ્યાં છે.
એનએચએસના વડાએ ચેતવણી ઉચ્ચારી છે કે આ શિયાળામાં ફ્લૂનો રોગચાળો ગંભીર બની શકે છે. આ વર્ષે ફલૂના કારણે હજારો લોકોના મોત થઇ શકે છે. રોયલ કોલેજ ઓફ જીપી દ્વારા જારી કરાયેલા અલગ અંકડા અનુસાર ફ્લૂ જેવી બિમારીમાં સતત વધારો થઇ રહ્યો છે. સિઝનની એવરેજ કરતાં બિમારીના દર્દીઓમાં 40થઈ 60 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
એનએચએસ ઇંગ્લેન્ડ દ્વારા આગામી સપ્તાહથી ફ્લૂની રસી આપવાનું શરૂ થઇ રહ્યું છે ત્યારે હેલ્થ લીડર્સે જનતાને વેક્સિન એપોઇન્ટમેન્ટ બુક કરાવી દેવાની અપીલ કરી છે જેથી હોસ્પિટલો પર દબાણ ઘટાડી શકાય.
એનએચએસના ચીફ એક્ઝિયુટિવ સર જિમ મેક્કીએ જણાવ્યું છે કે એ વાતમાં કોઇ શંકા નથી કે આગામી શિયાળો અમારા કર્મચારીઓ માટે અત્યંત કપરો રહેવાનો છે. એકતરફ જુનિયર ડોક્ટરો આગામી સપ્તાહમાં પાંચ દિવસ હડતાળ પર જવાના છે ત્યારે એનએચએસની સેવાઓ પર ગંભીર અસર પડવાની છે.


