લંડનઃ તાજેતરમાં યોજાયેલી કાઉન્સિલની ચૂંટણીઓમાં કારમા પરાજય છતાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે તેમને આગામી સંસદની ચૂંટણીમાં વિજયનો આત્મવિશ્વાસ છે અને તેમને ગઠબંધન કરવામાં જરાપણ રસ નથી. તેમણે જણાવ્યું હતું કે, આગામી ચૂંટણી પછી પણ હું જ વડાપ્રધાન રહેવાનો છું. જો ત્રિશંકુ સંસદની રચના થશે તો તેઓ ચૂંટણી પછીનું કોઇ ગઠબંધન નહીં કરે. બીજીતરફ લેબર પાર્ટીના વડા કિર સ્ટાર્મેરે એસએનપી સાથે ગઠબંધનની સંભાવના નકારી કાઢી છે પરંતુ લિબરલ ડેમોક્રેટ માટે વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.
તાજેતરમાં યોજાયેલી કાઉન્સિલની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીને 1000 કરતાં વધુ બેઠકોનું નુકસાન વેઠવું પડ્યું છે છતાં રિશી સુનાકને આગામી સંસદની ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ છે. કન્ઝર્વેટિવના પરાજય છતાં ચૂંટણી સમીક્ષકોનું માનવું છે કે લેબર પાર્ટીને એવી પણ સફળતા પ્રાપ્ત થઇ નથી કે તે સંસદની ચૂંટણીમાં સંપુર્ણ બહુમતી પ્રાપ્ત કરશે તેવું અનુમાન કરી શકાય.
જાપાનમાં જી-7 સમિટમાં હાજરી આપવા રવાના થતા સમયે રિશી સુનાકે જણાવ્યું હતું કે, અમે બ્રિટિશ જનતાની અપેક્ષાઓ સંતોષવા માટે ખૂબ પરિશ્રમ કરી રહ્યાં છીએ. બ્રિટિશ જનતાની અપેક્ષાઓ જ અમારી પ્રાથમિકતા છે. હું પાંચ મુદ્દા પર મારું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. જનતા જાણે છે કે હું તેમના માટે કામ કરી રહ્યો છું અને ચૂંટણીમાં તેઓ આ બાબત ધ્યાનમાં લેશે. મને ગઠબંધન કરવામાં કોઇ રસ નથી. હું બ્રિટિશ જનતાને આપેલા વચનો પૂરા કરવામાં મારો સમય આપી રહ્યો છું.


