લંડનઃ બ્રિટનની આગામી સંસદ સૌથી વધુ વૈવિધ્યતાપૂર્ણ બની રહેવાની સંભાવના છે. નવી સંસદમાં મોટી સંખ્યામાં વંશીય લઘુમતી સમુદાય અને મહિલા સાંસદોની હાજરી ધ્યાન ખેંચનારી બની રહેશે. થિન્ક ટેન્ક બ્રિટિશ ફ્યુચરના અભ્યાસ અનુસાર વંશીય લઘુમતી સમુદાયોના સાંસદોની સંખ્યા 65થી વધીને 83 પર પહોંચવાનું અનુમાન છે. જો વંશીય લઘુમતી સમુદાયોના સાંસદોની સંખ્યા 75ને પાર કરી જશે તો તે દોઢ દાયકામાં પાંચ ગણો વધારો ગણાશે. 2005થી 2010ની સંસદમાં વંશીય લઘુમતી સમુદાયોના સાંસદોની સંખ્યા ફક્ત 15 હતી.
મુખ્ય રાજકીય પક્ષોએ આગામી સંસદની ચૂંટણી માટે 90 ટકા ઉમેદવારોની પસંદગી કરી લીધી છે. અભ્યાસ અનુસાર આગામી ચૂંટણી બાદ હાઉસ ઓફ કોમન્સમાં પહેલીવાર 250 કરતાં વધુ મહિલા સાંસદો હશે. 2019માં મહિલા સાંસદોની સંખ્યા 220 રહી હતી. નવી સંસદમાં લેબર પાર્ટીની 153 અને કન્ઝર્વેટિવ પાર્ટીની 72 મહિલા સાંસદો ચૂંટાય તેવી સંભાવના છે.
જો લેબર પાર્ટીને 326 બેઠક મળશે તો મહિલા સાંસદોની સંખ્યા 254 રહેશે જે હાઉસ ઓફ કોમન્સની કુલ બેઠકો પૈકી 39 ટકા બેઠકો હશે. જો લેબર પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે તો આ સંખ્યા 40 ટકાને પાર થવાની પણ સંભાવના છે.
બ્રિટિશ ફ્યુચરના ડિરેક્ટર સુંદર કટવાલાએ જણાવ્યું હતું કે, આગામી સંસદ સૌથી વધુ વૈવિધ્યતાપૂર્ણ રહેશે. દરેક રાજકીય પાર્ટીમાં એક નવું વલણ જોવા મળી રહ્યું છે. વંશીય લઘુમતી સમુદાયોને સંસદમાં વધુ પ્રતિનિધિત્વ હાંસલ થશે.


