આજ મૈં ઉપર... આસમાં નીચે

97 વર્ષનાં દિલદાર દાદીમાએ કર્યું વિંગ વોક...!

Wednesday 12th August 2026 10:56 EDT
 
 

લંડનઃ ચેલ્ટનહામનાં રહેવાસી એવાં 97 વર્ષનાં દાદીમા બેટ્ટી બ્રોમેજે સૌથી મોટી વયે વિંગ વોક કરીને પોતાના નામે અનોખો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. અને હા, તેમણે પહેલી વખત વિંગ કર્યું છે એવું નથી, છેલ્લા એક દાયકામાં છઠ્ઠી વખત વિંગ વોક કર્યુ છે અને ગત વર્ષે ઓગસ્ટમાં સ્ટ્રોકથી પીડિત થવા છતાં પોતાનો જ રેકોર્ડ તોડયો છે.

બેટ્ટી બ્રોમેજ કહે છે કે હું હાલ ડ્રાઇવિંગ કરી શકતી નથી, મને સરખી રીતે દેખાતું પણ નથી. આ બધાથી હું થોડી હતાશ થઇ ગઇ હતી અને તેથી જ હું કંઇક કરવા માગતી હતી. જોકે મારી સમસ્યા વિમાનની પાંખ પર પહોંચવાની હતી કારણ કે મારી ઊંચાઇ ઓછી છે. પણ તમે એક વાર ઉપર પહોંચી જાવ પછી કોઇ સમસ્યા નથી.
બેટ્ટી બ્રોમેજે આરએફસી એરફિલ્ડમાં બે પાંખવાળા વિમાન (બાયપ્લેન)ની ઉપલી પાંખ પર સુરક્ષા બેલ્ટના સહારે છઠ્ઠી વિંગ વોક પૂરી કરી હતી. વિંગ વોકિંગ દુનિયાની સૌથી જોખમી એર સ્પોર્ટ્સમાં ગણાય છે. આ પહેલાં 2022માં બેટ્ટીએ 93 વર્ષની ઉંમરે પહેલીવાર આ રેકોર્ડ બનાવ્યો હતો, જેને હવે 97 વર્ષની ઉંમરે પોતે જ તોડી નાખ્યો.
લગભગ 3000 ફીટની ઊંચાઈ અને 150 માઇલ પ્રતિ કલાકની ઝડપે થયેલી આ ઉડાનમાં વિમાને બેરલ રોલ અને લૂપ પણ કર્યા. હલનચલનની મર્યાદિત જગ્યા અને આંખોની નબળાઈ હોવા છતાં બેટ્ટીએ આ સાહસ કર્યું હતું. ગત વર્ષે તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. ચેલ્ટનહામ જનરલ હોસ્પિટલે તેમની પૂરી સંભાળ રાખી હતી. બેટ્ટીનો સંદેશ એ લોકો માટે ખાસ છે જેઓ રિટાયરમેન્ટ પછી જીવનને લગભગ નિરર્થક માનવા લાગે છે.
બેટ્ટીનો જીવનસંદેશ
બેટ્ટીના શબ્દોમાં જ જાણો તેમના જીવનના 3 બોધપાઠ...
• વયનું બંધન ફગાવોઃ હું 87 વર્ષની ઉમરમાં રિટાયરમેન્ટ હોમમાં આવી તો મેં નક્કી કર્યું કે નવી વસ્તુઓ અજમાવીશ. પહેલું વિંગ વોક એ જ ઉમરમાં કર્યું. તે પછી ઝિપ-લાઇનિંગ, એપ્સેલિંગ અને એરોબેટિક્સ પણ કર્યાં. 93ની ઉમરે રેકોર્ડ બનાવ્યો અને હવે 97ની વયે તેને તોડયો.
• પડકારને સત્કાર્ય સાથે જોડોઃ દરેક ઉડાન મેં કોઈને કોઈ સારાં કામ માટે કરી. હોસ્પિટલની ટીમે મારો જીવ બચાવ્યો હતો, હવે હું તેમની મદદ કરી રહી છું. જ્યારે તમારી હિંમત - સત્કાર્ય સાથે એટલે કે કોઈ બીજાની મદદ સાથે જોડાય છે તો ડર ઓછો થઈ જાય છે. આથી તમારી હિંમતને કોઈ હેતુ કે મદદ સાથે જોડો.
• ડર કે આગે જીત હૈ... મને પણ હંમેશા ઉડાન પહેલાં ડર લાગતો હતો. મર્યાદિત દ્રષ્ટિ અને ચાલવાની તકલીફ હોવા છતાં હું વિંગ પર ચડી અને મિશન પૂરૂં કર્યું. પ્લેનની વિંગ્સ પરથી ઉતર્યા પછી મેં કહ્યું કે જો મારી વાર્તાથી કોઈ એક વ્યક્તિ પણ પોતાની જાતને પડકાર આપવાની હિંમત કરે તો મારી મહેનત સફળ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter