આજેય સૌથી વધુ લોકપ્રિય પાસવર્ડ છે 123456

Friday 10th June 2022 12:57 EDT
 
 

લંડન: સાઈબર સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા નિષ્ણાતો નબળા અને આસાન પાસવર્ડ અને તેનો દુરુપયોગ થવાના જોખમ અંગે આપણને છાશવારે ચેતવણી આપતા રહે છે, તેમ છતાં કંપનીના ટોચના અધિકારીઓ સરળતાથી પારખી શકાય તેવા પાસવર્ડનો ઉપયોગ કરતા જ રહે છે. નોર્ડપાસ દ્વારા હાથ ધરાયેલા નવા સંશોધનો દર્શાવે છે કે સીઈઓ દ્વારા ઉપયોગ થતાં પાસવર્ડમાં ‘123456’ પાસવર્ડ હજી પણ ખૂબ લોકપ્રિય છે. લોકપ્રિય પાસવર્ડની યાદીમાં આ પાસવર્ડ આજેય મોખરે છે.

આ ઉપરાંત વ્યક્તિગત નામ કે દંતકથારૂપ પ્રાણીઓના નામનો પણ પાસવર્ડ તરીકે બહોળો ઉપયોગ થાય છે. માઈકલ, જોર્ડન કે ડ્રેગન જેવા શબ્દોનો પાસવર્ડ તરીકે ઉપયોગ સૌથી બહોળો પ્રમાણમાં થાય છે. નોર્ડપાસે સાઈબર બ્રીચની ઘટનાઓનો અભ્યાસ કરતા રહેતા સ્વતંત્ર સંશોધકો સાથે સહયોગ સાધીને સીઈઓ દ્વારા ઉપયોગમાં લેવાતા પાસવર્ડની યાદી કરી છે.
સંશોધકો વિશ્વની 29 કરોડ જેટલી ડેટા બ્રીચની ઘટનાઓનો અભ્યાસ કરીને સીઈઓ દ્વારા ઉપયોગમાં લેવાતા પાસવર્ડનું વર્ગીકરણ કરી ચૂક્યા છે. ખાસ કરીને ટેકનોલોજી, ફાઇનાન્સ, બાંધકામ, હેલ્થકેર અને આતિથ્ય જેવા ક્ષેત્રે સર્જાયેલી સાઈબર સિક્યુરિટી બ્રીચનો સંશોધકો અભ્યાસ કરી ચૂક્યા છે. યાદી સૂચવે છે કે ‘123456’ પાસવર્ડ તે સીઈઓમાં સૌથી લોકપ્રિય પાસવર્ડ હતો.
ડેટા બ્રીચની જે 29 કરોડ ઘટનાઓનો અભ્યાસ થયો તે પૈકી કંપનીઓના 29,401 સીઈઓ દ્વારા તે પાસવર્ડનો ઉપયોગ થતો હતો. સીઈઓ દ્વારા તે પછીના ક્રમે અનુક્રમે ‘12345’ (11,876 સીઈઓ દ્વારા ઉપયોગ) અને ‘123456789’(10,988 સીઈઓ દ્વારા ઉપયોગ) થતો હોવાનું જણાયું હતું. સીઈઓ દ્વારા કેટલાક નામોનો પણ પાસવર્ડ તરીકે વ્યાપકપણે ઉપયોગ થતો હતો. તેમાં tiffney, michael અને jordan જેવા પાસવર્ડ ખૂબ લોકપ્રિય છે. સીઈઓના લોકપ્રિય પાસવર્ડની યાદમાં કેટલાક દંતકથારૂપ પ્રાણી અને પશુઓના નામનો પણ સમાવેશ થાય છે. તેમાં dragonઅને monkey જેવા શબ્દોનો પાસવર્ડ તરીકે બહોળો ઉપયોગ થયો હોવાનું જોવા મળતું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter