આઝાદીની લલકાર, યુકેના વિભાજનના પડઘમ

સ્કોટલેન્ડ, ઉત્તર આયર્લેન્ડ અને વેલ્સે યુકે સાથે છેડો ફાડવા ઐતિહાસિક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા, લેબર, કન્ઝર્વેટિવ અને રિફોર્મ યુકે પાર્ટીઓ દ્વારા આકરી ટીકા

Tuesday 15th September 2026 10:02 EDT
 
 

લંડનઃ યુનાઇટેડ કિંગડમની ત્રણ સ્વાયત્ત ધારાસભાઓ, સ્કોટલેન્ડ, ઉત્તર આયર્લેન્ડ અને વેલ્સના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સોમવારે એક ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કરીને વેસ્ટમિન્સ્ટરના નિયંત્રણમાંથી મુક્ત થવાની તેમની પ્રતિબદ્ધતા જાહેર કરી છે.

એમઓયુમાં જણાવવામાં આવ્યું છે કે, આ દ્વીપોનું રાજકીય ચિત્ર બદલાઈ રહ્યું છે. ઇતિહાસમાં પ્રથમ વખત સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડમાં યુનાઇટેડ કિંગડમથી આઝાદી મેળવવા માટે કટિબદ્ધ એવા ફર્સ્ટ મિનિસ્ટર સત્તા પર છે. વિશ્વભરના નિરીક્ષકો માટે આ બાબત સ્પષ્ટ સંકેત આપે છે કે વેસ્ટમિન્સ્ટરનું શાસન હવે અંત તરફ વધી રહ્યું છે.

કાર્ડિફ ખાતે યોજાયેલી એક ખાસ શિખર પરિષદ દરમિયાન સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જ્હોન સ્વિની, વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર રુન એપ ઇઓરવર્થ અને ઉત્તર આયર્લેન્ડના મિશેલ ઓ'નીલે આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ ઉપરાંત, આયર્લેન્ડના મુખ્ય વિરોધ પક્ષના નેતા અને સિન ફેન પાર્ટીના અધ્યક્ષ મેરી લૂ મેકડોનાલ્ડ પણ આ કરારમાં ચોથા હસ્તાક્ષરકર્તા તરીકે સામેલ થયા હતા.

આ કરારમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે, અમારા રાષ્ટ્રોને આત્મનિર્ણયનો અધિકાર છે. કોઈપણ વેસ્ટમિન્સ્ટર સરકારને લોકશાહીને રોકવાનો અથવા અમારા લોકો પોતાના ભવિષ્યનો નિર્ણય જાતે કરશે તેવા મૂળભૂત સિદ્ધાંતને નબળો પાડવાનો અધિકાર નથી.

કરાર અનુસાર, આ રાષ્ટ્રો આર્થિક ક્ષેત્ર અને ઉર્જા સંસાધનો જેવા મહત્વના વિષયોમાં પરસ્પર સહયોગ મજબૂત કરશે, જેમાં યુરોપિયન યુનિયનમાં પુનઃ સામેલ થવાના સહિયારા વિચારનો સમાવેશ થાય છે.

બીજી તરફ, ડાઉનિંગ સ્ટ્રીટના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન એન્ડી બર્નહામ યુનાઇટેડ કિંગડમની એકતામાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે અને તેઓ બંધારણીય વિવાદોને બદલે મોંઘવારીના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીના શેડો સ્કોટિશ સેક્રેટરી હેરિયેટ ક્રોસે આ સમિટને અલગતાવાદીઓના દેખાવો કરવાના પ્રયાસ તરીકે ઓળખાવી ટીકા કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter