લંડનઃ એનર્જી કોસ્ટમાં ઘટાડાના કારણે છેલ્લા આઠ મહિનામાં પહેલીવાર ફુગાવાનો દર ડબલ ડિજિટમાંથી સિંગલ ડિજિટમાં આવ્યો છે. યુકેનો સીપીઆઇનો એન્યુઅલ રેટ એપ્રિલમાં માર્ચના 10.1 ટકાની સરખામણીમાં ઘટીને 8.7 ટકા નોંધાતા બ્રિટનવાસીઓને થોડી રાહત મળી છે. બ્રિટનનો વાર્ષિક ફુગાવાનો દર એપ્રિલ 2023માં પહેલીવાર છેલ્લા 13 મહિનાની નીચી સપાટી પર ગગડ્યો હતો. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર ઓગસ્ટ 2022 પછી પહેલીવાર ફુગાવાનો દર 10 ટકાની સપાટીથી નીચે ઉતર્યો છે. માર્ચ 2022માં યુકેમાં ફુગાવાનો દર 7.0 ટકા હતો ત્યારબાદ ફુગાવો આટલી નીચી સપાટી પર નીચે ઉતર્યો છે. જોકે ગયા વર્ષની સરખામણીમાં ચીજ વસ્તુઓની કિંમતો હજુ વધારે છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડના 8.4 ટકાના અંદાજ કરતાં પણ એપ્રિલમાં ફુગાવાનો દર ઊંચો રહ્યો છે. તે ઉપરાંત જી-7 દેશોમાં પણ ફુગાવાનો સૌથી વધુ દર બ્રિટનમાં જ નોંધાયો છે.
વડાપ્રધાન રિશી સુનાક માટે આર્થિક મોરચે આ એક રાહતના સમાચાર છે અને તેમણે આ પ્રગતિને આવકારી પણ છે પરંતુ ચાન્સેલર જેરેમી હન્ટે ચેતવણી આપી છે કે ફુગાવાનો દર સિંગલ ડિજિટમાં પહોંચ્યો હોવા છતાં ખાદ્યપદાર્થોની કિંમતોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.
સુપર માર્કેટોને ખાદ્યપદાર્થો પર પ્રાઇઝ કેપ લાદવા વડાપ્રધાન સુનાકની અપીલ
ખાદ્યપદાર્થોની કિંમતોમાં આગઝરતી તેજીને કારણે મોંઘવારીમાં પીસાઇ રહેલી જનતાને રાહત મળે તે માટે વડાપ્રધાન રિશી સુનાકે રિટેલર્સને દૂધ, બ્રેડ જેવા પાયાના ખાદ્યપદાર્થોની કિંમતો પર મર્યાદા લાદવાની અપીલ કરી છે. ડાઉનિંગ સ્ટ્રીટ ફ્રાન્સની તર્જ પર સુપર માર્કેટો સાથે એક કરારની તૈયારી કરી રહી છે. ફ્રાન્સમાં સુપર માર્કેટો દ્વારા પાયાના ખાદ્યપદાર્થોની કિંમતો પર એક મર્યાદા લાદી દેવામાં આવી છે. જેથી લોકોને સસ્તો ખોરાક ઉપલબ્ધ બની શકે. બીજીતરફ અર્થશાસ્ત્રીઓએ વડાપ્રધાનને ચેતવણી આપી છેકે આ પ્રકારની પ્રાઇઝ કેપના કારણે દેશમાં ખાદ્યપદાર્થોની અછત સર્જાશે.
છેલ્લા બે વર્ષમાં પહેલીવાર ખાદ્યાન્ન ફુગાવામાં ઘટાડો નોંધાયો
બ્રિટનમાં છેલ્લા બે વર્ષમાં પહેલી વાર ખાદ્યાન્ન ફુગાવામાં ઘટાડો થતાં રાહતના સંકેતો પ્રાપ્ત થઇ રહ્યાં છે. મે મહિનામાં ખાદ્યાન્ન ફુગાવો એપ્રિલના 15.7 ટકાથી ઘટીને 15.4 ટકા પરઆવી ગયો છે. છેલ્લે ઓગસ્ટ 2021માં ખાદ્યાન્ન ફુગાવો આ સ્તરે જોવા મળ્યો હતો. તાજા ખાદ્યપદાર્થોનો ફુગાવો 17.8 ટકાથી ઘટીને 17.2 ટકા પર આવી ગયો છે.


