લંડનઃ નવા સંશોધન મુજબ ઈંગ્લેન્ડમાં આઠમાંથી એક ચાઈલ્ડકેર વર્કરને કલાક દીઠ £૫ કરતાં ઓછું વેતન મળે છે. ઓછું વેતન, ભારે કાર્યબોજ અને કેરિયર ડેવલપમેન્ટના અભાવની આ ક્ષેત્ર પર વિપરિત અસર થઈ હોવાની આ સંશોધનમાં ચેતવણી અપાઈ હતી. સોશિયલ મોબિલીટી કમિશન (SMC)વતી સંશોધન હાથ ધરનારા એજ્યુકેશન પોલીસી ઈન્સ્ટિટ્યુટ(EPI)ના ખૂબ ચોંકાવનારા તારણો પૈકીના એકમાં જણાયું હતું કે ૧૩ ટકા જેટલાં ચાઈલ્ડકેર વર્કરને કલાક દીઠ £૫ કરતાં ઓછું વેતન મળે છે.
આ સેક્ટરનું સરેરાશ વેતન £૭.૪૨ છે જે મીનીમમ વેજીસ કરતાં ઓછું છે અને મહિલા કર્મચારીઓના સરેરાશ £૧૧.૩૭ અને કુલ વસતિ માટે £૧૨.૫૭ કરતાં ખૂબ ઓછું છે. વિશ્લેષણ મુજબ દરજ્જાની દ્રષ્ટિએ આ જોબ હલકી કક્ષાની ગણાય છે.
હાલની કોવિડ-૧૯ની મહામારીને લીધે ઘણી નર્સરી અને અર્લી યર્સ સેટલીંગ્સના અસ્તિત્ત્વ પર ખતરો ઉભો થયો હોવાથી આ સેક્ટર સમક્ષ ઘણી સમસ્યાઓ ઉભી થઈ છે.
SMCના રિપોર્ટમાં જણાવાયું છે કે અગાઉના વર્ષોના વર્કફોર્સમાં અસ્થિરતા વધી રહી હોવાના સંકેત છે. સ્ટાફના વધુ ટર્નઓવરને લીધે સ્ટાફની જોગવાઈની અવગણનાનું અને બાળકોના પરિણામને ગેરલાભનું જોખમ ઉભું થવાની ચેતવણી અપાઈ છે.
રિપોર્ટના લેખક અને EPIમાં અર્લી યર્સના ડિરેક્ટર ડો. સારા બોનેટીએ જણાવ્યું હતું કે વર્કફોર્સમાં એપ્રેન્ટિસ, પ્લેસમેન્ટ પરના વિદ્યાર્થીઓ, વોલન્ટિયર્સ અને ચાઈલ્ડમાઈન્ડર્સનો સમાવેશ થતો હોવાથી કલાક દીઠ વેતનના દર ઓછા છે.
આ ક્ષેત્રના કર્મચારીઓમાં ૯૬ ટકા મહિલા હોય છે. આ ક્ષેત્રમાં ટ્રેનિંગનો અભાવ હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે. અર્લી યર્સ વર્કર્સના માત્ર ૧૭ ટકાને નોકરીલક્ષી તાલીમ મળે છે.


