આત્મનિર્ભર ભારત અભિયાન ‘ નર્યો બકવાસ’ઃ લોર્ડ મેઘનાદ દેસાઈ

Tuesday 21st March 2023 06:55 EDT
 
 

પટણા, લંડનઃ બ્રિટિશ ઈકોનોમિસ્ટ લોર્ડ મેઘનાદ દેસાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને ‘નર્યો બકવાસ’ ગણાવ્યો છે. લોર્ડ દેસાઈએ પટણામાં જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર ખરેખર કોઈના પણ હાથમાં નથી. સરકાર તેને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ કરી રહી છે પરંતુ, આ તદ્દન બકવાસ છે. સરકાર ગમે તે કહે પરંતુ, કશું થઈ જ રહ્યું નથી. ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રોકાણ કરવા કોઈ આવી રહ્યું નથી. તેમણે યુનાઈટેડ નેશન્સને પણ તદ્દન નિષ્ફળ ગણાવ્યું હતું.

લોર્ડ દેસાઈ બિહાર મ્યુઝિયમ ખાતે ત્રણ દિવસના અહાદ અનહદ ફેસ્ટિવલ ઓફ વર્ડઝ એન્ડ પરફોર્મન્સીસના આખરી દિવસે તેમના પુસ્તક ‘હાઉ ઈકોનોમિક્સ એબેન્ડોન્ડ ધ પૂઅર’ પરની ચર્ચામાં ભાગ લેવા પટણા આવ્યા હતા.

ભારતીય અર્થતંત્રે જે પ્રગતિ હાંસલ કરી છે તેને આંધળાનો ગોળીબાર કહેતા લોર્ડ દેસાઈએ કહ્યું હતું કે,‘જ્યારે લોકો ભારત વિશ્વમાં પાંચમા ક્રમની સૌથી મોટી અને સમૃદ્ધ અર્થતંત્ર હોવાની વાતો કરે છે ત્યારે તેઓ આંકડાકીય દૃષ્ટિએ સાચા છે પરંતુપ, આપણે એ જોવાની જરૂર છે કે સમગ્ર વિશ્વમાં માથા દીઠ આવકમાં આ દેશ 150મા ક્રમે છે.’ જોકે દેસાઈએ કહ્યું હતું કે ‘યુએસ પ્રકારની લાઈફસ્ટાઈલ પોસાય તેવા આશરે 26 કરોડ ધનવાન લોકો અથવા એશિયન દેશની 20 ટકા વસ્તી સાથેનું ભારત વિશ્વમાં ઈન્વેસ્ટ કરી શકાય તેવી સૌથી મોટી ઈકોનોમી છે.ભારતનું રહસ્ય તો એ છે કે તે ડિજિટાઈઝેશન અને તેના જેવી અન્ય બાબતો સાથે કાર્યક્ષમ સર્વિસ ઈકોનોમી બનવા તરફ આગળ વધી રહ્યું છે. કોઈ ઈન્વેસ્ટર મેન્યુફેક્ચરિંગ માંધાતાઓના જરીપુરાણા વિચારોમાં રસ ધરાવતો નથી. તેમને તો સમગ્ર વિશ્વમાં સર્વિસ ઈકોનોમીમાં રસ છે. આ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter