લંડનઃ ભારતીય મૂળના ટીનેજર આદિત્ય વર્માની બોંબ દ્વારા ઇઝી જેટ એરલાઇન્સના વિમાન ઉડાવી દેવાની ધમકી આપવા માટે ધરપકડ કરાઇ છે. આદિત્ય વર્માએ સ્નેપ ચેટ પર પોસ્ટ મૂકી હતી કે હું તાલિબાન છું અને હું આ વિમાનને બોંબથી ઉડાવી દેવા જઇ રહ્યો છું. સત્તાવાળાઓના ધ્યાનમાં આ ધમકી આવતાં જ ઇઝી જેટની મેનોર્કા જઇ રહેલી ફ્લાઇટને એસ્કોર્ટ કરવા માટે સ્પેનના ઝારાગોઝા શહેર ખાતેના મિલિટરી બેઝ પરથી બે એફ-18 વિમાને ઉડાન ભરી હતી. મેનોર્કા ખાતે વિમાનના સુરક્ષિત ઉતરાણ બાદ આદિત્ય વર્માની ધરપકડ કરાઇ હતી. આદિત્ય વર્માને મેનોર્કાની અદાલતમાં રજૂ કરાયો હતો.
સુનાવણી દરમિયાન મેનોર્કાની અદાલતમાં સરકારી વકીલે આદિત્ય પાસેથી બે મિલિટરી જેટ પાછળ થયેલા ખર્ચ પેટે 86,000 પાઉન્ડ વસૂલવાની માગ કરી હતી. હાલ આદિત્ય વર્માને 8600 પાઉન્ડના બોન્ડ પર મુક્ત કરાયો છે પરંતુ સ્પેન છોડીને નહીં જવા આદેશ અપાયો છે. આદિત્ય વર્મા તેના મિત્રો સાથે સ્પેનમાં વેકેશન માણવા ગયો હતો.
આદિત્યના પિતા ડોક્ટર છે અને તેનો ઉછેર કેન્ટના પોશ પરા વિસ્તાર ઓર્પિન્ગ્ટનમાં થયો છે. તેણે સેન્ટ ઓલેવ્ઝ નામની ટોચની શાળામાં અભ્યાસ કર્યો છે.
10 વર્ષ પહેલાં આદિત્યએ વર્લ્ડ યૂથ ચેસ ચેમ્પ્યિનશિપમાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને સ્પર્ધામાં ચોથા સ્થાને આવ્યો હતો. આ માટે તેને રશિયન ગ્રાન્ડ માસ્ટર ગેરી કાસ્પારોવ દ્વારા ટ્રોફી એનાયત કરાઇ હતી. તે ચાર બ્રિટિશ ચેમ્પ્યિનશિપ પણ જીતી ચૂક્યો છે. આદિત્ય ઇકોનોમિક્સમાં અભ્યાસ કરવા માગે છે અને તેને કેમ્બ્રિજ કન્ટિન્જન્ટ ખાતે અંડરગ્રેજ્યુએટ પ્લેસ ઓફર કરાઇ છે. આદિત્યએ તાજેતરમાં જ ઇન્વેસ્ટમેન્ટ બેન્ક જે પી મોર્ગન ખાતે એક મહિનાની ઇન્ટર્નશિપ પૂરી કરી હતી. બોંબની ધમકી માટે આદિત્ય દોષી સાબિત થશે તો તેને કેમ્બ્રિજમાં અભ્યાસની તક ગુમાવવી પડશે.