લંડનઃ 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પોતાના પ્રથમ દિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન કરતાં વડાપ્રધાન એન્ડી બર્નહામે બ્રિટનના હિંદુ, શિખ અને જૈન સમુદાયોના યોગદાનની પ્રશંસા કરતા ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. બર્નહામે દેશના વિકાસમાં બ્રિટિશ એશિયન સમુદાયના યોગદાનની ભરપૂર પ્રશંસા કરી હતી. પ્રકાશના પવિત્ર પર્વની ઉજવણી કરતા વડાપ્રધાન અને તેમના ધર્મપત્ની મેરી-ફ્રાન્સ વાન હીલે બ્રિટિશ ભારતીય સમુદાયના અગ્રણીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સત્તાવાર નિકેતનને પરંપરાગત દીવડાઓ, રોશની અને પુષ્પશણગારથી સુસજ્જ કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. આ પ્રસંગે બર્નહામે દિવાળીને એકજૂથ દેશના નિર્માણ માટેની સામૂહિક કટિબદ્ધતાના નવીનીકરણના અવસર તરીકે ઓળખાવતા ઉમેર્યું હતું કે, તેમની સરકાર ધાર્મિક સમુદાયો અને જનકલ્યાણના તેમના કાર્યોને સતત ટેકો આપશે.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન તરીકે આ મારી પ્રથમ દિવાળી છે અને અહીં આપ સહુની સાથે તેની ઉજવણી કરવી એ સૌભાગ્યની વાત છે. તેમણે બ્રિટિશ રાજકારણમાં આશા, સકારાત્મકતા અને એકતાનો પ્રકાશ પુનઃસ્થાપિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ તો હજુ શરૂઆત છે, પરંતુ આપણે સાથે મળીને પ્રયાસો કરવા પડશે. આ દિવાળી એકબીજા પ્રત્યે સમર્પિત થવાની સુવર્ણ ક્ષણ છે. વડાપ્રધાને જાહેરસવાઓ, આરોગ્ય સંભાળ અને સામાજિક ક્ષેત્રે હિંદુ, શીખ, જૈન અને મુસ્લિમ સમુદાયોની સક્રિય ભૂમિકાને બિરદાવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ગ્રેટર માન્ચેસ્ટરને આજના આધુનિક સ્વરૂપમાં લાવવામાં હિંદુ સમુદાયનું યોગદાન અતુલનીય રહ્યું છે. આપણા શીખ, જૈન અને મુસ્લિમ સમુદાયોનું પ્રદાન પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આપણને એવા દેશમાં જીવવાનો ગર્વ છે જ્યાં ધાર્મિક સમુદાયો પરસ્પર સહયોગ અને પરોપકાર માટે હંમેશા તત્પર રહે છે. સરકાર આ સમુદાયોની પડખે અડીખમ ઊભી રહેશે
તમારા આંતરિક પ્રકાશનો કેવી રીતે ઉપયોગ કરશોઃ એઆઇ મંત્રી કનિષ્ક નારાયણનો સવાલ
કાર્યક્રમના પ્રારંભે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) મંત્રી કનિષ્ક નારાયણે જણાવ્યું હતું કે, દિવાળી આપણને એક સહજ પ્રશ્ન પૂછે છે કે તમે તમારા આંતરિક પ્રકાશનો ઉપયોગ કેવી રીતે કરશો? બ્રિટિશ ભારતીય ઓળખ અને પોતાના વારસા પ્રત્યેનો લગાવ બ્રિટિશ નાગરિક હોવાની રાષ્ટ્રીય લાગણી સાથે જરાય વિરોધાભાસ ધરાવતા નથી. બ્રિટિશ ભારતીયોએ નેશનલ હેલ્થ સર્વિસ, ક્રિકેટ અને સ્થાનિક સાંસ્કૃતિક જીવનમાં મોટું પ્રદાન આપ્યું છે. તેમણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સંદર્ભ આપ્યો હતો, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે પવનરહિત સ્થાન પર દીપકની જ્યોત અચળ અને સ્થિર રહે છે.
રોશની એ માનવ હૃદયમાંથી અજ્ઞાનતાના અંધકારને દૂર કરતા જ્ઞાનનું પ્રતિકઃ વિશાખા દાસી
ઇસ્કોન ભક્તિવેદાંત મનોરના મંદિર પ્રમુખ વિશાખા દાસીએ દિવાળી પર આધ્યાત્મિક વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે, રોશની એ માનવ હૃદયમાંથી અજ્ઞાનતાના અંધકારને દૂર કરતા જ્ઞાનનું પ્રતિક છે. ભગવદ્ ગીતાના પવિત્ર સંસ્કૃત શ્લોકનું પઠન કરતા તેમણે જણાવ્યું હતું કે, જ્ઞાની વ્યક્તિઓ પોતાના આત્માની તુલનાએ તમામ જીવો પ્રત્યે સુખ અને દુઃખ બંનેમાં સમભાવ રાખે છે. હૃદયપૂર્વકની સંવેદના ગુમાવવી એ આપણી માનવતાનો એક અંશ ગુમાવવા સમાન છે.
10 ડાઉનિંગ સ્ટ્રીટમાં સશસ્ત્રદળોના 10 હિંદુ સભ્યોનું નેતૃત્વ કરવું ગૌરવની ક્ષણઃ અશોક કુમાર ચૌહાણ MBE
અશોકુ કુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યોજાયેલા દિવાળી સમારોહમાં સશસ્ત્ર દળોના 10 હિંદુ સભ્યોનું નેતૃત્વ કરવાનું આમંત્રણ મળવું એ એક વાસ્તવિક ગૌરવની ક્ષણ હતી. સમગ્ર ઈમારત દીવડાઓ, પુષ્પો અને દિવાળીની સજાવટથી ઝળહળી રહી હતી. ગણેશજીની પ્રતિમા અને રોશનીથી શણગારેલી સીડીઓએ પ્રથમ નજરે જ મંત્રમુગ્ધ કરી દીધા હતા. મારા સાથીદારો માટે આ એક અદ્ભુત અને અવિસ્મરણીય અનુભવ હતો.
સરકારના સર્વોચ્ચ સ્તરે ઉજવણી ભાવિ પેઢીનો વિશ્વાસ વધારે છેઃ ચાંદની વોરા MBE
વાસક્રોફ્ટ કોન્ટ્રાક્ટર્સ લિમિટેડના સીઓઓ ચાંદની વોરા MBE એ 10 ડાઉનિંગ સ્ટ્રીટના પોતાના પ્રથમ દિવાળી ઉત્સવના અનુભવો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.ચાંદની માટે સૌથી ભાવુક ક્ષણ 'યોગ ફાઉન્ડેશન'ના બાળકો દ્વારા વાદ્યો સાથે કરવામાં આવેલું હનુમાન ચાલીસાનું પઠન હતું. તેમણે લખ્યું, "અમે સૌએ હૃદયપૂર્વક તેમની સાથે ગાન કર્યું. આ ક્ષણના સાક્ષી બનવું એ મોટું સૌભાગ્ય છે. જ્યારે આપણા તહેવારો અને સમુદાયોની ઉજવણી સરકારના સર્વોચ્ચ સ્તરે થાય છે, ત્યારે આવનારી પેઢીને વિશ્વાસ બેસે છે કે તેઓ પણ દેશના દરેક મહત્વપૂર્ણ મંચ પર સ્થાન ધરાવે છે.


