લંડનઃ પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટન અને પોતાની કેન્સરની બીમારી સામે લડી રહેલા કિંગ ચાર્લ્સે ગુરુવાર 28 માર્ચના રોજ આયોજિત પરંપરાગત રોયલ ફેમિલી ઇસ્ટર સર્વિસમાં દેશજોગ સંદેશો પાઠવ્યો હતો. ક્વીન કેમિલાએ કિંગ ચાર્લ્સ વતી આ સંદેશો રજૂ કર્યો હતો.
કિંગ ચાર્લ્સે ઇસ્ટર પર્વ નિમિત્તે દેશજોગ સંદેશમાં જણાવ્યું હતું કે, હું સંપુર્ણ સમર્પિતભાવે દેશની સેવા જારી રાખી રહ્યો છું. વોર્સેસ્ટર કેથેડ્રલ ખાતે આયોજિત રોયલ મોન્ડી સર્વિસમાં ગેરહાજર રહેવાનું મને દુઃખ છે. મોન્ડી સર્વિસ સાથે હું વિશેષ રીતે હૃદયથી સંકળાયેલો છું. સંત યોહાનની સુવાર્તામાં આપેલું વચન આપણા પ્રભુના જીવન અંગે વર્ણન કરે છે. આપણા પ્રભુ ઇસુએ તેમના શિષ્યો સમક્ષ નમીને તેમના પગ ધોયાં હતાં. આમ કરીને પ્રભુ ઇસુએ આપણે કેવી રીતે એકબીજાની સેવા અને કાળજી લેવાં જોઇએ તેનો નમૂનો પૂરો પાડ્યો હતો. આપણા દેશને આપણી સાથે મિત્રતાનો હાથ લંબાવતા લોકોની વિશેષ કરીને જરૂરીયાતના સમયમાં જરૂર છે. આપણે સેવા કરાવવાની નથી પરંતુ સેવા કરવાની છે.
કિંગ ચાર્લ્સે તેમના સંદેશામાં જણાવ્યું હતું કે, મેં હંમેશા હૃદયપુર્વક તેમ કરવાનો પ્રયાસ કર્યો છે. મારી વિશેષ પ્રાર્થના છે કે આપણે આપણા પ્રભુએ આપેલા નમૂના પ્રમાણે એકબીજાની સેવા કરવા પ્રેરણા લેતાં રહીએ અને આપણા સમુદાયોને મજબૂત બનાવીએ. પરમેશ્વર પિતા આ ઇસ્ટરના પર્વે તમને બધાને આશીર્વાદિત કરે.

