લંડન
49 દિવસના અંધાધૂંધીભર્યા કાર્યકાળ બાદ 25મી ઓક્ટોબરે લિઝ ટ્રસે બકિંગહામ પેલેસે ખાતે કિંગ ચાર્લ્સ ત્રીજાને પોતાનું રાજીનામુ સુપ્રત કર્યા બાદ ટોરી પાર્ટીના નવા વરાયેલા નેતા રિશી સુનાકે કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરી હતી. પરંપરાગત કિસિંગ હેન્ડ સેરેમની બાદ કિંગ ચાર્લ્સે વિધિવત રીતે રિશી સુનાકને સરકારની રચનાનું આમંત્રણ આપ્યું હતું. આ સાથે રિશી સુનાક બ્રિટનના 57મા વડાપ્રધાન નિયુક્ત કરાયાં છે. કિંગ ચાર્લ્સ સાથેની મુલાકાતમાં રિશી સુનાક સાથે તેમના પત્નીને બદલે એક સહાયક હાજર રહ્યા હતા.
બ્રિટનના સૌપ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી દેશજોગ સંબોધનમાં રિશી સુનાકે લિઝ ટ્રસની નીતિઓની આકરી ઝાટકણી કાઢી હતી. પોતાના ટૂંકા પ્રવચનમાં રિશી સુનાકે જણાવ્યું હતું કે, દેશ ભયાનક આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે. આ પડકારો ઝીલવા માટે મુશ્કેલ નિર્ણયો લેવા પડશે. હું જાણું છું કે નાગરિકો હાડમારીનો સામનો કરી રહ્યાં છે. હું જાણું છું કે સ્થિતિ કેટલી ગંભીર છે.
સુનાકે બોરિસ જ્હોન્સન પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, 2019ની ચૂંટણીનો જનમત કોઇ વ્યક્તિના કારણે મળ્યો નહોતો. તેમણે જણાવ્યું હતું કે, હું ભવિષ્યમાં દેશનું નેતૃત્વ કરવા તૈયાર છું તેથી તમારી સામે ઊભો છું. હું નાગરિકોની જરૂરીયાતોને રાજનીતિ કરતાં વધુ મહત્વ આપીશ. હું જાણું છું કે વિશ્વાસની પુનઃસ્થાપના માટે મારે ભારે મહેનત કરવાની છે. હું કામના બોજા અને જવાબદારીઓથી ડરતો નથી. હું મારી પાર્ટીના શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ સાથેની સરકાર આપીશ. આપણે એકસાથે મળીને અદ્દભૂત સિદ્ધીઓ હાંસલ કરવાની છે.
ટૂંકાગાળામાં મારી સરકારે તાકિદના નિર્ણાયક પગલાં લીધાં – લિઝ ટ્રસ
10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી વિદાય લેતાં પોતાના સંબોધનમાં લિઝ ટ્રસે જણાવ્યું હતું કે, મને દેશનું નેતૃત્વ કરવાનું સન્માન પ્રાપ્ત થયું. મારા ટૂંકા કાર્યકાળણાં પણ મારી સરકારે તાકિદના નિર્ણાયક પગલાં લીધાં હતાં. જેના કારણે લાખો પરિવારોને વીજળીના બિલમાં અમે રાહત આપી શક્યાં હતાં. ટૂંકા કાર્યકાળમાં પણ મારી સરકાર નોંધપાત્ર સિદ્ધીઓ હાંસલ કરી શકી હતી.
દરેક કન્ઝર્વેટિવ રિશી સુનાકને સંપુર્ણ સમર્થન આપે – બોરિસ જ્હોન્સન
પૂર્વ પીએમ અને સુનાકના કટ્ટર પ્રતિસ્પર્ધી એવા બોરિસ જ્હોન્સને આખરે સુનાકને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આ સુનાક માટે ઐતિહાસિક દિવસ છે. દરેક કન્ઝર્વેટિવ વડાપ્રધાનને સંપુર્ણ સમર્થન આપે.


