આપસી ઝગડામાં ત્રણ ભારતીય મિત્રોની હત્યા

Wednesday 29th January 2020 06:56 EST
 
 

લંડનઃ રવિવાર, ૧૯ જાન્યુઆરીએ ઈસ્ટ લંડનમાં ઈલ્ફર્ડના સેવન કિંગ્સ વિસ્તારમાં આપસી ઝગડામાં ત્રણ ભારતીય નાગરિકની હત્યા કરી દેવાઈ હતી. મૃતકોમાં ૨૯ વર્ષના નરિન્દર સિંહ લુભાયા, ૩૦ વર્ષના હરિન્દર કુમાર અને ૩૭ વર્ષના મલકિતસિંહ ધીલોનનો સમાવેશ થયો હતો. પોલીસે આ ગુના સબબે ૨૯ વર્ષના ગુરજિતસિંહને બુધવારે રેડબ્રીજ મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં રજૂ કર્યો હતો. તેને પોલીસ કસ્ટડીમાં સોંપાયો છે અને ૧૦ ફેબ્રુઆરીએ તેને સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.

ઈલ્ફર્ડના સાઉથ પાર્ક ક્રીસેન્ટના રહેવાસી ગુરજિતસિંહ સામે જાહેરમાં ઘાતક શસ્ત્ર રાખવાનો ગુનો દાખલ કરાયો હતો. ધરપકડ કરાયેલી અન્ય વ્યક્તિને છોડી દેવાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે આ હત્યાઓ ગુનાખોર ગેન્ગ્સ વચ્ચે લડાઈના કારણોસર નથી અને હજુ ધરપકડ થશે નહિ.

ત્રણ મૃતકોની સત્તાવાર ઓળખ જાહેર કરાયા અગાઉ તેમને સ્થાનિક કક્ષાએ તેમને બિલ્ડર નરિન્દર ઉર્ફ નિકા સિંહ, હરિન્દર ઉર્ફે હની કુમાર અને બલજિત સિંહ ઉર્ફ મલકિતસિંહ ધીલોન તરીકે ઓળખવામાં આવ્યા હતા. મેટ પોલીસે કહ્યું હતું કે તેમની તપાસમાં જાણવા મુજબ આપસી લડાઈના કારણે હુમલો કરાયો હતો. આ લોકો એકબીજાને ઓળખતા હતા. સ્થાનિક હિન્દુ અને શીખ સમુદાયનો લોકો વચ્ચે ઝઘડો થયો હતો. એક દિવસ અગાઉ લગ્ન સમારંભમાં તેમની વચ્ચે થયેલા ઝગડાના કારણે હત્યા કરાઈ હોવાનું મનાય છે.

ત્રણ વ્યક્તિ જખમી હાલતમાં મળતા તેમને ઈમર્જન્સી સેવા દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સેવન કિંગ્સ ખાતે તેમને મૃત જાહેર કરાયા હતા. સ્કોટલેન્ડ યાર્ડની સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ કમાન્ડે હત્યાની તપાસ શરૂ કરી હતી અને શંકાના આધારે બે જણાની ધરપકડ કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter