લંડનઃ આયર્લેન્ડની રાજધાની ડબ્લિનમાં કેટલાક લોકોએ મળીને 40 વર્ષની આસપાસની ઉંમરના એક ભારતીય પર હુમલો કર્યો અને તેને નગ્ન કરી દીધો હોવાની ઘટના સામે આવી છે. ભારતીયે બાળકો સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનો આરોપ મૂકી તેના પર હુમલો કરાયો હતો. જોકે, ઈન્વેસ્ટિગેટર્સે આ ઘટનાને રેસિસ્ટ એટેક હોવાની શંકા વ્યક્ત કરી છે. આ ઈન્ડિયનની હજુ ઓળખ થઈ નથી. આઈરિશ ટાઈમ્સના રિપોર્ટ મુજબ, પોલીસે ઈન્ડિયન વ્યક્તિ દ્વારા કોઈ પ્રકારનું અયોગ્ય વર્તન કરાયું હોવાનો ઈનકાર કર્યો છે. પોલીસ દ્વારા મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
19 જુલાઈને શનિવારના રોજ ડબલિનના ટલ્હમાં આ ઘટના બની હતી. કેટલાક લોકોએ ભારતીય વ્યક્તિને બચાવવા પ્રયાસ કર્યો તે પહેલા હુમલાખોરોએ તેનું પેન્ટ ઉતારી નાખ્યું હતું. જ્યારે અન્ય લોકોએ તેને બચાવ્યો ત્યારે તેના ચહેરા અને હાથ-પગમાંથી લોહી વહી રહ્યું હતું, તેમજ તેના શરીર પણ ઘણી ઈજા થઇ હતી. પોલીસે તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.