આરએએફના બેઝ પર આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ, પાંચની ધરપકડ બાદ છૂટકારો

જાગૃત નાગરિકના કારણે મોટો હુમલો અટકાવી શકાયો, ઇરાનની સંડોવણીની તપાસ શરૂ, શંકાસ્પદોને મુક્ત કરાતા ટ્રમ્પે આકરી ટીકા કરી

Tuesday 29th September 2026 10:54 EDT
 
 

લંડનઃ અમેરિકી સેના દ્વારા ઉપયોગમાં લેવાતા આરએએફના હવાઈ મથકથી ગણતરીની મિનિટોના અંતરે પાર્ક કરેલી ત્રણ વાનમાંથી હથિયારધારી પોલીસને વિસ્ફોટકો મળી આવ્યા બાદ કાઉન્ટર-ટેરરિઝમ પોલીસે આ શંકાસ્પદ બોમ્બ કાવતરાની તપાસ શરૂ કરી છે. આ કાવતરા પાછળ ઇરાનનો હાથ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે.

આતંકવાદના આરોપો હેઠળ પાંચની ધરપકડ કરવામાં આવ્યા બાદ તપાસકર્તાઓ વાનમાંથી મળી આવેલા પદાર્થોની તપાસ કરી રહ્યા છે. પ્રાથમિક આકલન મુજબ આ સામગ્રી ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ હોવાનું માનવામાં આવે છે.

રવિવારે વહેલી સવારે ગ્લુસેસ્ટરશાયરના આરએએફ ફેરફોર્ડ બેઝ તરફ જઈ રહેલી ત્રણ શંકાસ્પદ વાન અંગે પોલીસને માહિતી મળ્યા બાદ આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો. એક સ્થાનિક નાગરિકે મોડી રાત્રે ગ્રામીણ વિસ્તારમાં પુરુષોના જૂથની અસામાન્ય પ્રવૃત્તિ જોઈને તુરંત 999 પર ઇમરજન્સી કોલ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે આ હવાઈ મથકનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ અમેરિકી એરફોર્સના મિશન માટે થાય છે. આ ગંભીર ઘટના દરમિયાન કોટ્સવોલ્ડ્સના વહેલફોર્ડ ગામના 85 ઘરોના રહીશોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.  

રોયલ એર ફોર્સ એરબેઝ પર વિસ્ફોટક હુમલાની આશંકા હેઠળ ધરપકડ કરાયેલા પાંચેય બ્રિટિશ નાગરિકોને શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. કાઉન્ટર ટેરરિઝમ પોલીસિંગના સીનિયર આસિસ્ટન્ટ કમિશ્નર લોરેન્સ ટેલરે જણાવ્યું હતું કે, સઘન પૂછપરછ અને તપાસ બાદ પાંચેય આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. જોકે, આ તપાસ અહીં પૂર્ણ થતી નથી. તેમના હલનચલન અને સંપર્કો પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ ચાલુ જ રહેશે. દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાંચેય આરોપીઓને જામીન પર મુક્ત કરવાના નિર્ણયની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, શંકાસ્પદો અમારા મજબૂત કિલ્લાને મોટું નુકસાન કરવાની ફિરાકમાં હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter