આર્ચબિશપ વેલ્બીના જૈવિક પિતાનો ખુલાસો થયો

Tuesday 12th April 2016 11:05 EDT
 
 

 લંડનઃ કેન્ટરબરીના ૬૦ વર્ષીય આર્ચબિશપ જસ્ટિન વેલ્બીના જૈવિક પિતા ગેવિન વેલ્બી નહીં, પરંતુ સર વિન્સ્ટન ચર્ચિલના પૂર્વ પ્રાઈવેટ સેક્રેટરી સર એન્થની મોન્ટેગ બ્રાઉન હતા. ડીએનએ પરીક્ષણના આ ખુલાસાથી આર્ચબિશપને ભારે આશ્ચર્ય થયું હતું.

આર્ચબિશપના માતા અને લેડી વિલિયમ્સ ઓફ એલ્વેલ તરીકે પણ જાણીતાં જેન વિલિયમ્સે પણ ૧૯૫૫માં ગેવિન વેલ્બી સાથે લગ્ન અગાઉ મોન્ટેગ બ્રાઉન સાથે થોડો સમય સંબંધ હોવાનું સ્વીકાર્યું હતું. ઓક્સફોર્ડના ગ્રેજ્યુએટ અને RAF સર્વિસમેન બ્રાઉને લાંબો સમય ચર્ચિલને ત્યાં ફરજ બજાવી હતી. શરાબના સેલ્સમેન ગેવિનનું ૧૯૭૭માં મૃત્યુ થયું હતું. સર એન્થનીના હેરબ્રશના વાળના સેમ્પલ સાથે કરાયેલા પરીક્ષણમાં તેઓ પિતા-પુત્ર હોવાની સંભાવના ૯૯.૯૭૭૯ ટકા દર્શાવાઈ હતી.

વેલ્બીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘હું મારી ઓળખ જિસસ ક્રાઈસ્ટમાં જ અનુભવું છું, જિનેટિક્સમાં નહિ. તેમની સાથેની ઓળખ કદી બદલાશે નહિ.’ વેલ્બીએ જોકે, ૧૯૬૮થી રોગનો સામનો કરી રહેલી માતા માટે ગર્વ દર્શાવ્યો હતો. આર્ચબિશપ અને તેમની માતાએ જે રીતે આંચકાજનક સમાચારનો ગૌરવ સાથે સામનો કર્યો છે તે ખરેખર પ્રશંસનીય છે.

.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter