લંડનઃ ડચેસ ઓફ સસેક્સ મેગને સનસનાટી મચાવતો દાવો કર્યો હતો કે શાહી પરિવારે જન્મ પહેલા જ આર્ચીની ઘેરી ત્વચા બાબતે ચિંતા વ્યક્ત કરવા સાથે તેને પોલીસ પ્રોટેક્શન નહિ મળે તેમ પણ જણાવ્યું હતું. મેગને બકિંગહામ પેલેસના અધિકારીઓએ તેમના પ્રથમ બાળક આર્ચીને પ્રિન્સનો ખિતાબ ન અપાવા દીધો તે બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે આર્ચીને ૨૪ કલાક સિક્યુરિટી આપવામાં નિષ્ફળતાનો આક્ષેપ પણ બકિંગહામ પેલેસ પર લગાવ્યો હતો.
આર્ચી મિશ્ર જાતિનો હોવાથી તેને પ્રિન્સ ટાઈટલ ન અપાયું તેવો પ્રશ્ન ઓપ્રાહે ઉઠાવ્યો હતો અને આર્ચીને પ્રિન્સ કહેવાય તે મહત્ત્વનું હતું તે પ્રશ્ને મેગને જણાવ્યું હતું કે તેને આવા ભવ્ય સત્તાવાર ટાઈટલ્સ પ્રત્યે કોઈ લગાવ નથી પરંતુ, મૂળ વાત તેમનો પુત્ર સુરક્ષિત નહિ રહે અને આ પરિવારનો પ્રથમ ‘રંગ ધરાવતા’ બાળકને અન્ય ગ્રાન્ડચિલ્ડ્રનને અપાય તેવા ટાઈટલ્સથી વંચિત રાખવા અંગે છે. રાજપરિવારના કોઈ સભ્યે મેગનના પ્રથમ બાળકની રંગીન ત્વચાની શક્યતા વિશે હેરી સમક્ષ ચિંતા દર્શાવી હતી. આ વ્યક્તિની ઓળખ જાહેર કરવા મેગન અને હેરીએ સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.
મેગને જણાવ્યું હતું કે તે પ્રેગનન્ટ હતી ત્યારે તેને સિક્યુરિટી નહિ અપાય, તેને ટાઈટલ નહિ અપાય તેવી વાતો તેમજ આવનાર બાળકની ત્વચાનો રંગ ઘેરો હશે તેવી ચિંતા દર્શાવતી વાતો પણ કાને આવતી હતી. વર્તમાન નિયમો હેઠળ પ્રિન્સ ચાર્લ્સ ગાદીએ આવશે ત્યારે રાજવીના ગ્રાન્ડચિલ્ડ્રન તરીકે આર્ચી આપમેળે પ્રિન્સ બની શકે. જોકે, દંપતીએ જણાવ્યું હતું કે રાજાશાહીને વિસ્તૃત નહિ રાખવાની ચાર્લ્સની યોજનાથી નિયમો બદલાશે તેવો નિર્દેશ પણ સસેક્સ દંપતી સમક્ષ કરાયો હતો. આર્ચીનો જન્મનો હક છીનવી લેવાનો તેમને કોઈ અધિકાર ન હતો.


