લંડનઃ આર્ટ ઓફ લિવિંગ (AOL) લંડન દ્વારા રવિવાર, ૨૮ ફેબ્રુઆરીએ આગામી વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલ અને આર્ટ ઓફ લિવિંગના ૩૫ વર્ષની ઉજવણી બાબતે ગ્રાન્ડ કર્ટન રેઈઝરનું લંડનમાં આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોન્સર્સ હેમરાજ ગોયેલ ફાઉન્ડેશન અને ધ મિન્ટ લીફ રેસ્ટોરાંના સહયોગમાં આર્ટ ઓફ લિવિંગ લંડન રીજિયનની ટીમે વિવિધ ક્ષેત્રના અગ્રણી નાગરિકો માટે ભવ્ય રીસેપ્શન યોજ્યું હતું. ઉપસ્થિતોમાં મીડિયા પર્સન્સ, કોમ્યુનિટી નેતાઓ, જાણીતા ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓનો સમાવેશ થયો હતો.વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલ અને આર્ટ ઓફ લિવિંગના ૩૫ વર્ષની ઉજવણી ૧૧-૧૩ માર્ચ દરમિયાન નવી દિલ્હીમાં થઈ રહી છે. ૩૫ લાખથી વધુ લોકો તેમાં ભાગ લે તેવી શક્યતા છે, જેમાં માનવ પરિવાર તરીકે એકતાને પ્રાધાન્ય આપવા સાથે વિશ્વની વિવિધ સંસ્કૃતિઓની ઉજવણી કરવામાં આવશે.હેરોના મેયર કૃષ્ણા સુરેશે સંસ્થાની સખાવતી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર પ્રદાન બદલ આર્ટ ઓફ લિવિંગ-લંડનના ચેરમેન અમીત અગ્રવાલને વિશેષ પ્રમાણપત્ર એનાયત કર્યું હતું. અમીત અગ્રવાલે કહ્યું હતું કે, ‘સ્મિત સાથે સમુદાયની સેવાનો મંત્ર આપનારા મારા ગુરુ શ્રી શ્રી પ્રત્યે આભારની લાગણી સાથે હું આ સન્માનને સ્વીકારું છું.’ ઝી ટીવીના પ્રેઝન્ટર અનિલા ધામી આ પ્રીવ્યુના ઉદ્ઘોષક હતાં અને મહેમાન કલાકાર પાર્વતીએ તેમના કથક પરફોર્મન્સથી આમંત્રિતોને મોહિત કર્યાં હતાં. વધુ માહિતી www.artofliving.org પરથી મેળવી શકાશે.


