લંડનઃ થેરેસા સરકારે આર્ટિકલ-૫૦ પ્રક્રિયા આરંભી શકાય તે માટેનું અત્યંત ટુંકુ બિલ પાર્લામેન્ટ સમક્ષ રજૂ કરી દીધું છે. સુપ્રીમ કોર્ટે સંસદની મંજૂરી વિના બ્રેક્ઝિટ પ્રક્રિયા આરંભી ન શકાય તેવો ચુકાદો આપ્યા પછી સંસદમાં મૂકાયેલું બે પેરેગ્રાફનું આ બિલ બ્રિટનનું ભાવિ ઘડશે. થેરેસા મે માર્ચ મહિનાના અંત સુધીમાં બ્રેક્ઝિટ પ્રક્રિયા આરંભવા મકકમ છે ત્યારે સરકારે વિરોધપક્ષોને બિલમાં સુધારા કરવાની સુવિધા મળે તેવી કોઈ જોગવાઈ રાખી નથી. કોમન્સમાં આ બિલની ચર્ચા માટે માત્ર દિવસનો સમય અપાયો છે. કોમન્સમાં બહુમતીની અપેક્ષા છતાં હાઉસ ઓફ લોર્ડ્સમાં આ બિલ સામે ભારે અવરોધો આવી શકે છે.મિનિસ્ટર્સ દ્વારા બાહેંધરી અપાઈ છે કે ૨૦૧૯માં થનારી આખરી બ્રેક્ઝિટ સંધિ પર સાંસદો સરકારને બંધનકર્તા રહે તેમ મતદાન કરી શકશે.
બ્રેક્ઝિટ પ્રક્રિયા આરંભવા થેરેસા મે એક્ઝિક્યુટિવ સત્તાઓનો ઉપયોગ કરી ન શકે તેવા સુપ્રીમ કોર્ટના ચુકાદાને અનુસરી સરકારે ધ નોટિફિકેશન ઓફ વિડ્રોઅલ બિલ પાર્લામેન્ટમાં રજૂ કરી દેવા સાથે બ્રેક્ઝિટતરફી અને વિરોધીઓ વચ્ચે સંઘર્ષનું મંડાણ થયું છે. આ બિલ પસાર થવા સાથે જ મિનિસ્ટર્સને બ્રિટન ઈયુ સાથે છેડો ફાડવા માગે છે તેમ બ્રસેલ્સ સમક્ષ જાહેર કરવાની સત્તા પ્રાપ્ત થશે. વડા પ્રધાન ઈયુ સાથે બ્રેક્ઝિટ મંત્રણા આરંભે ત્યારે તેમને સકંજામાં લેવા ઈયુતરફી પક્ષો પણ સંખ્યાબંધ સુધારાઓ કરવા સજ્જ થયા છે. લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને શ્રેણીબદ્ધ સુધારા રજૂ કરી દીધા છે, જેમાં ઈયુ સાથે સમજૂતી પર હસ્તાક્ષર અગાઉ સંસદમાં તેના પર મતદાન લેવાનો મુદ્દો મુખ્ય છે. જોકે, સરકારે સુધારાઓને અવકાશ ન મળે તે માટે જ બિલને અત્યંત ટુંકુ રાખ્યું છે.
બે પેરેગ્રાફના બિલમાં જણાવાયું છે કે,‘વડા પ્રધાન ઈયુમાંથી બહાર નીકળવાના યુનાઈટેડ કિંગ્ડમના ઈરાદાને ટ્રિટી ઓન ધ યુરોપિયન યુનિયનના આર્ટિકલ ૫૦ (૨) અન્વયે નોટિફાય કરી શકે છે.
‘યુરોપિયન કોમ્યુનિટીઝ એક્ટ ૧૯૭૨ હેઠળના અથવા તેની અન્ય કોઈ જોગવાઈ અથવા અન્ય કોઈ પણ કાયદા છતાં આ સેક્શન તેની ઉપરવટ અસર ધરાવશે.’
કોમન્સના લીડર ડેવિડ લિડિંગ્ટને જાહેર કર્યું હતું કે બિલ પર પાંચ દિવસ ચર્ચા કરી શકાશે. સેકન્ડ રીડિંગ મંગળવાર, ૩૧ જાન્યુઆરીએ હાથ ધરાશે અને તે પછી બુધવારે મતદાન લેવાશે. આ પછીના સપ્તાહે સોમવાર અને બુધવારની વચ્ચે કમિટી અને રિપોર્ટ્સના તબક્કા હાથ ધરાશે. બિલમાં સુધારાની જાહેરાતો કે ચર્ચા માટે પૂરતો સમય ન અપાયાની ફરિયાદો છતાં આર્ટિકલ ૫૦ની પ્રક્રિયા માટે સત્તા બહુમતીથી પ્રાપ્ત થશે તેવી ધારણા છે. લેબર નેતા કોર્બીને આખરી મતદાનમાં બિલને સમર્થન આપવા પક્ષના સાંસદો માટે ત્રણ લાઈનનો વ્હીપ પણ જારી કર્યો છે, જેનો ભારે વિરોધ થયો છે. કેટલાક ફ્રન્ટબેન્ચર્સ સહિત ૬૦ જેટલા લેબર સાંસદે કોર્બીનનો વ્હીપ અવગણવાની ચેતવણી પણ આપી છે.
બીજી તરફ, વડા પ્રધાન થેરેસા મેએ બ્રસેલ્સતરફી સાંસદોને ચેતવણી આપી છે કે તેઓ ઈયુ સાથેની આખરી સંધિને ફગાવી દેશે તો પણ બ્રેક્ઝિટને અવરોધી શકશે નહિ. જો આમ થશે તો બ્રિટન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નિયમો અનુસારની ટેરિફ સિસ્ટમનો અમલ કરી શકે છે.


