લંડનઃ બ્રિટિશ આર્મીના સૈનિકોએ પેટ્રોલ સ્ટેશન પર ફયુલની ડિલિવરીમાં મદદ કરવાનું શરૂ કરી દીધું છે. બ્રિટનમાં ડ્રાઈવરોની અછતને પગલે પેટ્રોલ સ્ટેશનો પર સપ્લાય લાઇન ઠપ થઈ જવાથી કટોકટીની સ્થિતિ સર્જાઈ છે.
સરકારે જણાવ્યું હતું કે બ્રિટિશ આર્મીમાં ટેન્કર ચલાવનારા ૨૦૦ ડ્રાઈવરોને દેશમાં પેટ્રોલ ટેન્કર્સ ચલાવવાના કામે લગાવાશે. સેનાના કર્મચારીઓએ સોમવારથી પોતાની નવી ડ્યુટી શરૂ કરી દીધી છે.
ડુફેન્સ સેક્રેટરીએ નિવેદનમાં જણાવ્યું છે કે સ્થિતિને અંકુશમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આનાથી અમારા સશસ્ત્ર દળો ઉદ્યોગોને ફ્યૂલ પૂરું પાડીને દેશને વિકાસના પથ પર આગળ વધારવાનું ચાલુ રાખશે. સૈન્યના કર્મચારીઓ દેશમાં વિભિન્ન સ્થળોએ તાલીમ પ્રાપ્ત કરી રહ્યાં છે અને સોમવારથી ફ્યૂલ પહોંચાડવાના કાર્યમાં લાગી જશે. સરકારે દાવો કર્યો છે કે પુરવઠો વધારીને અમુક હદ સુધી સ્થિતિ નિયંત્રણમાં લઈ લેવામાં આવી છે. જોકે, દેશના અમુક ભાગોમાં સ્થિતિ હજુ પણ પડકારજનક બનેલી છે.