લંડનઃ ગત વર્ષે Cop26 ક્લાર્ઈમેટ શિખર પરિષદના પ્રમુખ રહેલા યુકેના કેબિનેટ મિનિસ્ટર આલોક શર્મા યુએનના ગ્લોબલ ક્લાઈમેટ ચીફના હોદ્દાની સ્પર્ધામાં છે. સમગ્ર વિશ્વ ક્લાઈમેટ સમસ્યાને અટકાવવા મહત્ત્વની વાટાઘાટોના આગામી તબક્કાની તૈયારી કરી રહ્યું છે ત્યારે યુએનના વર્તમાન ક્લાઈમેટ વડા અને પૂર્વ મેક્સિકન મિનિસ્ટર પેટ્રિસિયા એસ્પિનોસા આગામી મહિને હોદ્દા પરથી ઉતરી રહ્યા છે. આ હોદ્દા માટે આલોક શર્માનો સંપર્ક કરાયો હતો અને તેમણે પણ રસ દર્શાવ્યો હોવાનું કહેવાય છે. જોકે, શર્માએ વિકાસશીલ દેશોના સંભવિત ઉમેદવારોનો સામનો કરવો પડી શકે છે.
‘નો ડ્રામા શર્મા’ તરીકે ઓળખાતા પૂર્વ બિઝનેસ સેક્રેટરી ગત નવેમ્બરમાં ગ્લાસગો ખાતે સમિટના સમાપન સમયે લાગણીશીલ બની ગયા હતા. ભારત અને ચીન સાથે મતભેદોના કારણે ભારે આશા રખાતી હતી તેવો કરાર લગભગ ભાંગી પડવાનો હતો ત્યારે આમ થયું હતું. કોન્ફરન્સમાં તેમના સંચાલનના કારણે વિશ્વનેતાઓ વૈશ્વિક તાપમાનને 1.5 ડીગ્રી સેન્ટિગ્રેડ સુધી ઘટાડવા સંમત થયા હતા અને શર્માની ભારે પ્રશંસા થઈ હતી.
ધ ગાર્ડિયનના અહેવાલ અનુસાર યુએનના સર્વોચ્ચ ક્લાઈમેટ વડાના હોદ્દા માટે આલોક શર્માનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને શર્માએ તેના માટે ઈચ્છા પણ દર્શાવી હતી. જો આલોક શર્મા આ હોદ્દો ધારણ કરશે તો યુએનની આવી મહત્ત્વપૂર્ણ ભૂમિકા યુકે હસ્તક આવવાની આ પ્રથમ બાબત હશે અને બ્રેક્ઝિટ પછીના તબક્કે વિશ્વતખ્તા પર ‘ગ્લોબલ બ્રિટન’ના મહત્ત્વાકાંક્ષી સ્થાનના વડા પ્રધાન જ્હોન્સનના પ્રયાસોને સફળતા મળશે. આમ છતાં, શર્માની નિયુક્તિ કરાશે તો તેમની રીડિંગ વેસ્ટની બેઠક પર પેટાચૂંટણી કરાવવી પડશે જે ટોરી પાર્ટી માટે મુશ્કેલી ઉભી કરે તેવી બની શકે છે.


