લંડનઃ ચાન્સેલરે ઓગસ્ટ 2024 સુધી તમામ પ્રકારની આલ્કોહોલ ડ્યુટી યથાવત રાખવાની જાહેરાત કરી છે જેના પગલે હાલ શરાબ અને બિયરની કિંમતમાં કોઇ વધારો થવાની સંભાવના નથી. પરંતુ જે લોકો રોલ અપ સિગારેટથી ધુમ્રપાન કરે છે તેમને વધુ કિંમત ચૂકવવી પડશે.
ચાન્સેલર આલ્કોહોલ ડ્યુટીમાં વધારો કરે તેવી સંભાવના સેવાતી હતી પરંતુ પબ અને ડ્રીંક્સ ઇન્ડસ્ટ્રીના દબાણના કારણે તેમણે આલ્કોહોલ ડ્યુટી 1 ઓગસ્ટ 2024 સુધી યથાવત રાખવાની જાહેરાત કરી હતી. તેના કારણે સરકારી તિજોરીને 310 મિલિયન પાઉન્ડનું નુકસાન થશે.
પરંતુ ચાન્સેલરે રોલિંગ ટોબેકો પરના ટેક્સમાં મોટો વધારો કર્યો છે. ચાન્સેલરે સિગારેટ પરની ડ્યુટી રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ મેઝર ઓફ ઇન્ફલેશન પ્રમાણે 12 ટકાનો વધારો કર્યો છે. ગયા મહિને આરપીઆઇ રેટ ઓફ ઇન્ફ્લેશ 6.1 ટકા રહ્યો હતો તેનો અર્થ ટેક્સમાં 18.1 ટકાનો વધારો થશે.
આ ટેક્સના કારણે 30 ગ્રામ તમાકુના પેકેટની કિંમતમાં 2.21 પાઉન્ડનો વધારો થશે.


