લંડનઃ શરાબપાન કરનારા માટે સારા અને ખરાબ સમાચાર છે. એક વૈશ્વિક અભ્યાસ અનુસાર આલ્કોહોલના સેવનથી હાર્ટ એટેકના જોખમમાં માત્ર ૨૪ ટકાનો ઘટાડો થાય છે, પરંતુ કેન્સરના જોખમ અને ઈજાગ્રસ્ત થવાની શક્યતામાં અનેકગણો વધારો થાય છે. આ અભ્યાસમાં ભાગ લેનારા ૧૧૪,૯૭૦ લોકો પર ચાર વર્ષ નજર રખાઈ હતી. નોંધપાત્ર બાબત એ છે કે મધ્યમ શરાબપાન કરનારાને વધુ રક્ષણ દેખાયું હતું. જોકે, શરાબપાન નહિ કરનારાની સરખામણીએ આલ્કોહોલના વપરાશથી મોઢાં, અન્નનળી, જઠર, આંતરડા, લિવર, અંડાશય સ્તન, મસ્તક અને ગળા સહિતના ચોક્કસ કેન્સર થવાના જોખમમાં ૫૧ ટકાનો વધારો થાય છે.
કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટી દ્વારા મેડિકલ જર્નલ ‘લેન્સેટ’માં પ્રસિદ્ધ અભ્યાસ મુજબ શરાબના ઊંચા પ્રમાણ તેમ જ શરાબની મિજબાની કરનારાઓમાં તમામ કારણે મોતનો દર ઊંચો રહે છે અને ઈજાગ્રસ્ત થવાનું જોખમ ૨૯ ટકા વધે છે. અભ્યાસમાં આલ્કોહોલના સાપ્તાહિક વપરાશને ધ્યાનમાં લેવાયો હતો. સપ્તાહમાં સાત ડ્રિન્ક સુધીને ઓછું પ્રમાણ, મહિલાઓ માટે સાતથી ૧૪ ડ્રિન્ક અને પુરુષો માટે સાતથી ૨૧ ડ્રિન્કને મધ્યમ પ્રમાણ તેમજ મહિલાઓ માટે ૧૪થી વધુ અને પુરુષો માટે ૨૧થી વધુ ડ્રિન્કને ઊંચુ પ્રમાણ ગણવામાં આવ્યું હતું.
અભ્યાસમાં આર્થિક વિકાસના વિવિધ સ્તરના ૧૨ દેશોનાં પાર્ટિસીપેન્ટ્સ હતા. ઉચ્ચ આવકના દેશ સ્વીડન અને કેનેડા, ઉચ્ચ મધ્યમ આવકના દેશોમાં આર્જેન્ટિના, બ્રાઝિલ, ચિલી, પોલાન્ડ, સાઉથ આફ્રિકા અને તુર્કી, નીચી મધ્યમ આવકના દેશોમાં ચીન અને કોલમ્બિયા તેમ જ ઓછી આવકના દેશોમાં ભારત અને ઝિમ્બાબ્વેનો સમાવેશ કરાયો હતો.