આવકવેરાનો દર 20 ટકા પર યથાવત, એનર્જી કેપ એપ્રિલ સુધી જ

સરકારી તિજોરી પર પડેલા 45 બિલિયન પાઉન્ડના બોજામાંથી 32 બિલિયન પાઉન્ડની રાહતો પાછી ખેંચાઇ

Wednesday 19th October 2022 03:57 EDT
 

લંડન

ક્વાસી ક્વારતેંગની હકાલપટ્ટી બાદ ચાન્સેલર બનેલા જેરેમી હન્ટે સોમવારે બજારોને શાંત કરવા લિઝ ટ્રસની અણઘડ આર્થિક નીતિઓ પર પૂર્ણવિરામ મૂકી દેતાં તાજેતરમાં રજૂ કરાયેલા મિની બજેટની મોટાભાગની જોગવાઇઓ રદ કરી દીધી હતી.

નવા ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, હું અગાઉ ક્વાસી ક્વારતેંગ દ્વારા રજૂ કરાયેલા મિની બજેટની મોટાભાગની જોગવાઇઓ રદ કરી રહ્યો છું. જેરેમી હન્ટે આગામી એપ્રિલથી આવકવેરાના દરમાં 1 ટકાના ઘટાડાને રદ કરી દીધો છે. અગાઉ ટ્રસ સરકારે આવકવેરાનો દર 20 ટકાથી ઘટાડીને 19 ટકા કરવાની જાહેરાત કરી હતી. હન્ટે જણાવ્યું હતું કે, આર્થિક સંજોગો પરવાનગી ન આપે ત્યાં સુધી આવકવેરાનો દર 19 ટકા રહેશે. તે ઉપરાંત ડિવિડન્ડ ટેક્સમાં આપવામાં આવેલી રાહત પણ પાછી ખેંચી લેવામાં આવી છે. સ્વરોજગાર કરનારા માટે હળવા બનાવવામાં આવેલા આઇઆર35 રૂલ્સને પણ હવે અગાઉના સ્તરે યથાવત રાખવામાં આવશે.

કાળઝાળ મોંઘવારી સામે સંઘર્ષ કરી રહેલા પરિવારોને આંચકો આપતાં જેરેમી હન્ટે એનર્જી બિલ પર આગામી બે વર્ષ સુધી લાદવામાં આવેલી 2500 પાઉન્ડની મર્યાદા પણ આગામી એપ્રિલ 2023 સુધી જ અમલમાં રાખવાની જાહેરાત કરી છે. તેનો અર્થ એ થયો કે એપ્રિલ 2023 પછી એનર્જી બિલની મર્યાદા 3500 પાઉન્ડ થઇ જશે. નવા ચાન્સેલરે લિઝ ટ્રસના મિની બજેટમાં હટાવી લેવાયેલી બેન્કરોના બોનસ પરની મર્યાદા પુનઃલાગુ કરવાની ઘોષણા કરી છે.

નવા ચાન્સેલરે વિદેશી પ્રવાસીઓ માટે  વેટ ફ્રી શોપિંગ, આલ્કોહોલ પરની સ્થગિત કરાયેલી ડ્યુટીની જોગવાઇઓ પણ રદ કરી છે.

ફક્ત નવાં મકાન ખરીદનારાને ચૂકવવી પડતી સ્ટેમ્પ ડ્યુટીમાં અપાયેલી રાહત અને નેશનલ ઇન્શ્યુરન્સમાં મૂકાયેલા કાપને યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે કારણ કે આ જોગવાઇઓને સંસદની મંજૂરી આપી દેવાઇ છે.

સપ્ટેમ્બરમાં ક્વાસી ક્વારતેંગ દ્વારા જાહેર કરાયેલી કરરાહતોના કારણે બ્રિટનની સરકારી તિજોરીને 45 બિલિયન ડોલરનો ફટકો પડ્યો હતો. જેરેમી હન્ટે મોટાભાગની રાહતો પાછી ખેંચી લેતાં હવે 32 બિલિયન પાઉન્ડનો બોજો ઘટી ગયો છે.

આ પહેલાં વડાંપ્રધાન લિઝ ટ્રસે આગામી એપ્રિલથી કોર્પોરેશન ટેક્સ 19 ટકાથી વધારીને 25 ટકા કરવાના નિર્ણયને નાબૂદ કરવા મુદ્દે યુ ટર્ન લેતાં આ જોગવાઇને યથાવત રાખી હતી. મિની બજેટમાં અમીરો પાસેથી ઉઘરાવાતા 45 ટકા આવકવેરાને ઘટાડીને 40 ટકા કરી દેવાના નિર્ણયને પણ લિઝ ટ્રસ અને ક્વાસી ક્વારતેંગ દ્વારા ફેરવી તોળાયો હતો.

અત્યાર સુધીમાં મિની બજેટમાં લેવાયેલા યુ - ટર્ન

1 કોર્પોરેશન ટેક્સ – કોર્પોરેશન ટેક્સ 19 ટકાથી વધારીને 25 ટકા કરવાના નિર્ણયને સ્થગિત કરવાનો નિર્ણય રદ કરાયો

2 અમીરો પરનો આવકવેરો - અમીરો પરના 45 ટકાના આવકવેરા સ્લેબને 40 ટકા કરવાનો નિર્ણય રદ કરાયો

3 સામાન્ય નાગરિક પરનો આવકવેરો – એપ્રિલથી આવકવેરાનો દર 1 ટકા ઘટાડવાનો નિર્ણય રદ, 20 ટકા પર યથાવત રખાશે

4 આલ્કોહોલ ડ્યુટી - આલ્કોહોલ પર લાગુ થતો ટેક્સ સ્થગિત કરવાનો નિર્ણય રદ કરાયો

5 વેટ – વિદેશી પ્રવાસીઓને વેટ મુક્ત શોપિંગની સુવિધા આપતી જોગવાઇ રદ

6 ડિવિડન્ડ ટેક્સ – ડિવિડન્ડ ટેકસમાં અપાયેલી કરરાહતો પાછી ખેંચી લેવાઇ

7 એનર્જી બિલ – એનર્જી બિલ પરની 2500 પાઉન્ડની કેપ એપ્રિલ 2023 સુધી જ લાગુ રહેશે

8 સ્વરોજગાર – સ્વરોજગાર કરનારા માટે હળવા કરાયેલા આઇઆર35 ટેક્સ રૂલ્સ અગાઉના સ્તરે યથાવત

ક્વારતેંગના મિની બજેટની આ જોગવાઇઓ યથાવત

1 નેશનલ ઇન્શ્યુરન્સ – નેશનલ ઇન્શ્યુરન્સમાં 1.25 ટકાનો વધારો પાછો ખેંચવાનો  નિર્ણય

2 2,50,000 પાઉન્ડ સુધીની સંપત્તિ ખરીદનારને સ્ટેમ્પ ડ્યુટીમાં અપાયેલી રાહત

3 4,25,000 પાઉન્ડ સુધીની સંપત્તિ પહેલીવાર ખરીદનારને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter