આવ્યો આવ્યો રે આનંદ મેળો... અમારા ગામનો.... 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા તા. ૧૧ અને ૧૨ જૂનના રોજ 'આનંદ મેળા'નું ભવ્ય આયોજન

Wednesday 04th May 2016 09:01 EDT
 

આપ સૌના લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ના શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ ખાતે અબાલવૃધ્ધ સૌ કોઇના પ્રિય એવા છઠ્ઠા 'આનંદ મેળા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસના આ ભવ્ય અને મનોરંજનથી ભરપૂર 'આનંદ મેળા'માં પ્રોપર્ટી મેળા 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો' અને આરોગ્ય મેળા (હેલ્થ એન્ડ વેલબીઇંગ)નો લાભ મળશે. તો બીજી તરફ સાડી-જવેલરી, શણગાર, મહેંદી અથવા ચટપટા નાસ્તા કે ઘર સજાવટની ચીજ-વસ્તુઅોનું શોપીંગ કરી શકાશે તેમજ ખાણી પીણીની મોજ માણી શકાશે. આપનો પોતાનો કહી શકાય તેવો આ આનંદ મેળો માત્ર મહિલાઅો કે બાળકો માટે જ નહિં પણ પુરુષો માટે પણ ઉપયોગી બની રહેશે. આનંદ મેળો આપ સૌ માટે 'ફેમીલી ડે આઉટ' બની રહે તેની અમે વિશેષ કાળજી લઇ રહ્યા છીએ, જેથી પરિવારના સૌ સદસ્યો પોતાને ગમતા ક્ષેત્રનો આનંદ એક જ છત્ર નીચે લઇ શકે.

હેરો લેઝર સેન્ટરના જ મેસફીલ્ડ સ્યુટમાં ભારતના વિવિધ શહેરોમાં રોકાણ અને ઉચ્ચ વળતરની શ્રેષ્ઠ તકો ધરાવતી પ્રોપર્ટીની ડેવલપર્સ કંપનીઅોના સ્ટોલનો લાભ આપને પ્રોપર્ટી મેળા 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'માં મળશે. ભારતના વિવિધ શહેરોના ભરોસાપાત્ર પ્રોપર્ટી ડેવલપર્સ પાસેથી આપ પસંદગીના શહેરની પ્રોપર્ટી અંગે માહિતી મેળવી શકશો અને જો આપને બધું અનુકુળ પડે તો લોનની પણ વ્યવસ્થા પ્રોપર્ટી મેળામાં જ મળી જશે.

આજ રીતે આ વર્ષે અમે ખાસ આપની આરોગ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભારત અને ગુજરાતની સુવિખ્યાત હોસ્પિટલ્સ સાથે જોડાણ કરીને 'આરોગ્ય મેળા' (હેલ્થ અને વેલબીઇંગ)નું આયોજન કર્યું છે. જેમાં દાંત, હ્રદય, ડિસ્ક સહિત વિવિધ ક્ષેત્રના અને ભારતની જાણીતી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો પાસે પોતાની શારીરિક તકલીફ કે બીમારી અંગે ચર્ચા-વિચારણા કરી શકશો અને આપને સંતોષ થાય તો આગળની ટ્રીટમેન્ટ અંગે નિર્ણય પણ લઇ શકશો.

છેલ્લા પાંચ વર્ષથી સતત યોજાઇ રહેલા 'આનંદ મેળા' માં બ્યુટી અને વેડીંગ, ટ્રાવેલ અને ટૂરીઝમ, જ્વેલરી, શિક્ષણ, ફાઇનાન્સ - બેન્કિંગ અને ઇન્સ્યુરંશ ક્ષેત્ર સહિત વિવિધ સેવાઅો અને પ્રોડક્ટનું વેચાણ કરતા સ્ટોલનો લાભ મળશે અને વ્યાજબી ભાવે આપ વિવિધ સેવાઅો મેળવી શકશો. 'આનંદ મેળા'નું મુખ્ય આકર્ષણ ખાણી પીણીના સ્ટોલ્સ છે. જ્યાંથી પારંપરિક અને સ્વાદિષ્ટ એવા ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાણીપુરી અને ચાટ્સ, દાબેલી, ફરસાણ, પાઉંભાજી વગેરે વાનગીઅોની મોજ માણી શકશો.

'આનંદ મેળા'નું વિશેષ આકર્ષણ બોલીવુડ ગીત-સંગીત, રાસ-ગરબા, ઢોલ પ્લેયર્સ, નૃત્યો, ફેશન શો, બાળકોના વિશેષ કાર્યક્રમો ઉપરાંત વિખ્યાત સ્થાનિક ગાયક કલાકારોના ગીત સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણવા મળશે. બે દિવસના ભવ્યાતિભવ્ય ગીત-સંગીત-નૃત્ય અને મનોરંજનથી ભરપૂર 'આનંદ મેળા'માં આપ જો આવવાનું ચૂકી ગયા તો ઘણુંબધું ચૂકી જશો એમાં કોઇ બેમત નથી.

પ્રવેશ ફીની રકમ સેન્ટ શીશુકુંજને મળશે

આ વર્ષે યોજાનાર 'આનંદ મેળા'ની સહયોગી સખાવતી સંસ્થા બાળકોનો શૈક્ષણિક, સાંસ્કૃતિક, શારીરિક અને માનસિક વિકાસ કરતી આપણી પોતીકી સંસ્થા શીશુકુંજ' છે. 'આનંદ મેળા'માં પ્રવેશ માટે આપના દ્વારા ખરીદવામાં આવેલી વ્યક્તિ દિઠ £૨-૫૦ની ટિકીટની તમામ રકમ 'શીશુકુંજ'ને આપવામાં આવશે. ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ મફત છે.

શિશુકુંજ બાળકલ્યાણ માટે ૩૦ કરતા વધુ વર્ષથી લંડનમાં કાર્યરત ચેરિટી સંસ્થા છે. જ્યાં ભારતીય સંસ્કૃતિના માધ્યમ દ્વારા ‘ગમ્મત સાથે જ્ઞાન’ના આદર્શ સાથે પાંચ વર્ષની વયથી જ બાળકોમાં નૈતિકતા અને મૂલ્યોના સંસ્કારનું સિંચન કરે છે, જેથી તેઓ આવતી કાલના સમાજના જવાબદાર અને સન્માનનીય નેતા બની શકે. લંડનમાં ત્રણ કેન્દ્રો ધરાવતા શિશુકુંજમાં દર રવિવારે ૪૫૦થી વધુ બાળકોને પ્રવૃત્તિમય બનાવે છે. શીશુકુંજમાં ભારતીય ઉત્સવોની ઊજવણી, જરૂરિયાતમંદ લોકોને મદદ, પ્રવાસ શિબિરનો સમાવેશ થાય છે. વધુ માહિતી માટે જુઅો વેબસાઇટ www.shishukunj.org.uk

વેપાર ધંધાના વિકાસ માટે સોનેરી તક: આનંદ મેળો

જો આપ સાડી-જવેલરી, કપડા, શણગાર, મહેંદી, ખાણી-પીણી, કેટરીંગ, નાસ્તા કે ઘર સજાવટની વિવિધ ચીજ-વસ્તુઅોનો વેપાર કરતા હો તો આનંદ મેળામાં સ્ટોલ કરીને વધારાની કમાણી કરી શકશો. આપ સ્ટોલ કરીને નવા ગ્રાહકો પણ બાંધી શકશો જેમને તમે વર્ષો સુધી પોતાની પ્રોડક્ટ વેચી શકશો. આ સાથે આપના વેપારની જાહેરાત કરવાની પણ આપની પાસે અમુલ્ય તક છે. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળો ૫,૦૦૦થી વધુ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. સ્ટોલ ખૂબ જ ઝડપથી બુક થઇ રહ્યા હોવાથી આપનો સ્ટોલ બુક કરાવવા આજે જ સંપર્ક કરવા વિનંતી છે.

સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે અાજે જ કાર્યાલયમાં ફોન કરો 020 7749 4080.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter