આશરે 50 વર્ષ પહેલાં ગૂમ થયેલી સર્જિત કૌરને શોધવા મદદની અપીલ

શનિવારે સર્જિત કૌરનો 70મો જન્મદિવસ

Tuesday 11th August 2026 10:58 EDT
 
 

લંડનઃ વર્ષ 1976માં વેકેશન માણવા ગયેલા બર્મિંગહામના સર્જિત કૌર અંગે કોઈપણ પ્રકારની માહિતી આપવા વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે વિનંતી કરી છે. સર્જિત કૌર માન છેલ્લે સપ્ટેમ્બર 1976માં જોવા મળ્યા હતા ત્યારે તેમની ઉંમર 20 વર્ષ હતી. આગામી શનિવારે તેમનો 70મો જન્મદિન છે, જેને પગલે તેમના ગૂમ થવાના રહસ્ય પરથી પડદો ઊંચકવા માટે માહિતી મેળવવાની અપીલો ફરી સક્રિય કરવામાં આવી છે.

મૂળ બર્મિંગહામના વતની અને બર્મિંગહામ યુનિવર્સિટીના વિદ્યાર્થિની સર્જિત તેમના પરિવાર સાથે દક્ષિણ ફ્રાન્સના એન્ટીબ્સ ખાતે રજાઓ ગાળવા ગયા હતા. તેમનો પરિવાર ઘરે પરત ફરી રહ્યો હતો પરંતુ સર્જિતે બીચ પર મળેલી તેમની સહેલીઓ સાથે મ્યુઝિયમની મુલાકાત લેવા માટે ત્યાં થોડો વધુ સમય રોકાવાની વિનંતી કરી હતી.

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના જણાવ્યા અનુસાર સર્જિત જે મહિલાઓને મળી હતી તેઓ બ્રિટિશ શ્વેત મહિલાઓ હતી અને તેમની ઉંમર 18થી 22 વર્ષ વચ્ચેની હતી. આમાંની એક મહિલાએ પોતાનું નામ જેન બતાવ્યું હતું. સર્જિતનો પરિવાર બ્રિટન પરત ફર્યો પરંતુ સર્જિત ક્યારેય પરત ફર્યા નહોતા.

મિસિંગ પર્સન ઇન્વેસ્ટિગેશન યુનિટના પીસી શોન રીવે જણાવ્યું હતું કે, ફ્રાન્સમાં સર્જિત સાથે શું બન્યું તે આજે પણ એક રહસ્ય છે.  કોઈપણ વ્યક્તિ પાસે આ અંગે માહિતી હોય તો તેઓ તપાસ ટીમનો સીધો સંપર્ક 0121 626 7003 પર કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter