આશા રાખો, દેશના અર્થતંત્રને વેગ આપવા હું દિવસ રાત કામ કરી રહ્યો છું – વડાપ્રધાન

હિન્દુઓમાં ધર્મનો ઉલ્લેખ કરાય છે, દેશની સેવા મારો ધર્મ હોવાથી વડાપ્રધાનપદ સ્વીકાર્યું – રિશી સુનાક

Wednesday 08th February 2023 06:01 EST
 
 

લંડન

વડાપ્રધાન રિશી સુનાકે એક ટીવી ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, યુકેના અર્થતંત્ર અંગે નબળી આગાહીઓ છતાં હું આ વર્ષે અર્થતંત્રને વેગ આપી શકીશ. હું જનતાને આશા રાખવા અપીલ કરું છું. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે અંદાજ માંડ્યો છે કે અગાઉ ધારણા કરાઇ હતી તેના કરતાં મંદી ટૂંકાગાળા માટે જ રહેશે. હું દેશના ભવિષ્યને બદલી નાખીશ.

એક દિવસ પહેલાં જ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે જાહેરાત કરી હતી કે વિશ્વના વિકસિત દેશોમાં એકમાત્ર બ્રિટન જ એવો દેશ હશે જે આ વર્ષે મંદીમાં સપડાશે. બ્રિટનનો આર્થિક વૃદ્ધિ દર રશિયા, ઇટાલી અને જર્મની કરતાં પણ ઓછો રહેશે.

ટોકટીવીના પાયર્સ મોર્ગનને આપેલા ઇન્ટર્વ્યુમાં રિશી સુનાકે જણાવ્યું હતું કે, મેં દેશ માટે નક્કી કરેલી મારી પાંચ પ્રાથમિકતાઓ પૂરી કરીને બતાવીશ. શું અર્થતંત્ર વેગ પકડશે તેવા સવાલના જવાબમાં સુનાકે જણાવ્યું હતું કે, હા અર્થતંત્ર વિકાસ કરશે. હું વિશ્વાસ ધરાવું છું કે આ વર્ષમાં જ અર્થતંત્રની ગાડી પાટા પર આવી જશે.

તેમણે જણાવ્યું હતું કે, દેવામાં ઘટાડો કરવાનો છે. હા અમે કેટલાક મુશ્કેલ અને આકરા નિર્ણયો લીધાં છે જેથી દેશ પરના દેવામાં ઘટાડો કરી શકાય પરંતુ તે માટે આપણે આપણા માર્ગમાંથી ડગવાનું નથી.

તમે જનતાને શું સંદેશ અથવા તો મંત્ર આપવા માગો છો તેવા સવાલના જવાબમાં રિશી સુનાકે જણાવ્યું હતું કે, આશા રાખો. આશા રાખો કારણ કે હું દેશના અર્થતંત્રને સારું બનાવી શકું છું. અને હા હું દેશના અર્થતંત્રને સુધારીને જ રહીશ. તેના માટે જ હું દિવસ અને રાત કામ કરી રહ્યો છું.

વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, લિઝ ટ્રસે રાજીનામુ આપ્યુ ત્યારે વડાપ્રધાન બનનાર વ્યક્તિ સામે પ્રચંડ પડકારો હોવા છતાં મેં વડાપ્રધાન પદ સ્વીકાર્યું કારણ કે હું માનું છું કે દેશની સેવા કરવી એ મારો ધર્મ છે. લિઝ ટ્રસે રાજીનામુ આપ્યું ત્યારે હું રાજનીતિ વિશે વિચારી રહ્યો નહોતો. હું માનતો હતો કે મારે દેશની જનતાની સેવા કરવી જોઇએ. તેના સિવાય અત્યારે મારી બીજી કોઇ ફરજ નથી. હિન્દુઓમાં ધર્મનો ઉલ્લેખ કરાય છે. ધર્મ એટલે બીજું કશું નહીં પરંતુ જવાબદારી અને ફરજ છે. મારો ઉછેર આ રીતે જ થયો છે.

પગાર વધારો આપવાનું મને ગમશે પરંતુ હાલ અમે તેમ કરી શક્તા નથી – સુનાક

વડાપ્રધાને જણાવ્યું હતું કે, મને નર્સોને પગાર વધારો આપવાનું ગમશે પરંતુ હાલ અમે તેમ કરી શક્તાં નથી. અમારે હેલ્થ સર્વિસના અન્ય પાસાઓને પ્રાથમિકતા આપવા નાણાની જરૂર છે. ફુગાવાને નિયંત્રણમાં રાખવો જરૂરી છે. જો પગારમાં તોતિંગ વધારો કરાશે તો દરેક માટે જીવન આકરૂં બની રહેશે. નર્સો અદ્દભૂત કામગીરી કરી રહી છે. તેમને પગાર વધારો આપવો કોને ન ગમે પરંતુ અમારે એનએચએસની સેવાઓ સુધારવા માટે અન્ય પ્રાથમિકતાઓ પર પણ ધ્યાન આપવાનું છે.

મારા ટેક્સ રિટર્ન ટૂંકસમયમાં જાહેર કરાશે – વડાપ્રધાન સુનાક

નદીમ ઝહાવીને તેમના ટેક્સ મામલાના વિવાદમાં ટોરી પાર્ટીના ચેરમેનપદેથી બરખાસ્ત કર્યા બાદ થોડી રાહત અનુભવી રહેલા વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, હું ટૂંકસમયમાં મારા ટેક્સ રિટર્ન જાહેર કરીશ. એક ઇન્ટર્વ્યુમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, મારા ટેક્સ રિટર્ન ટૂંકસમયમાં જાહેર કરાશે. તમે જાણો છો કે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની ડેડસાઇન થોડા દિવસ અગાઉ જ સમાપ્ત થઇ છે. તેથી હવે તેમને તૈયાર કરાઇ રહ્યાં છે અને ટૂંકસમયમાં જાહેર કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter