લંડનઃ છેલ્લા કેટલાંક સપ્તાહથી બહુચર્ચિત બની ગયેલા આસિસ્ટેડ ડાઇંગ બિલને હાઉસ ઓફ કોમન્સમાં મોટી સંખ્યામાં સાંસદોનું સમર્થન પ્રાપ્ત થયું છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ગંભીર અને અસાધ્ય બીમારીથી પીડાતા દર્દીને પોતાના જીવનને ટૂંકાવવાનો અધિકાર આપતા લેબર સાંસદ કિમ લીડબીટર દ્વારા રજૂ કરાયેલા બિલને હાઉસ ઓફ કોમન્સ દ્વારા 330 વિરુદ્ધ 275 મત દ્વારા ઐતિહાસિક મંજૂરી અપાઇ હતી.
કિમ લીડબીટર દ્વારા રજૂ કરાયેલા આ ખરડામાં ગંભીર અને અસાધ્ય બીમારીથી પીડાતા અને જેની જીવવાની તકો 6 મહિના કરતાં ઓછી હોય તેવા દર્દીઓને પોતાનું જીવન ટૂંકાવવાનો અધિકાર પ્રાપ્ત થશે. દર્દી દ્વારા વ્યક્ત કરાયેલી ઇચ્છા મૃત્યુની જિજિવિષાને પૂરી કરવા બે ડોક્ટર અને હાઇકોર્ટના એક જજની મંજૂરી ફરજિયાત લેવાની રહેશે.
જોકે આ ખરડાએ રાજકીય પાર્ટીઓ અને કેબિનેટના ઊભા ફાડિયાં કરી નાખ્યાં હતાં. વડાપ્રધાન સર કેર સ્ટાર્મર, ચાન્સેલર રેચલ રીવ્ઝ તેમજ વિક્ષના સાંસદો પૂર્વ વડાપ્રધાન રિશી સુનાક અને પૂર્વ ચાન્સેલર જેરમી હન્ટે ખરડાને સમર્થન આપ્યું હતું જ્યારે નાયબ વડાપ્રધાન એન્જેલા રેયનર, હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગ, લિબરલ ડેમોક્રેટ નેતા એડ ડેવી અને રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે ખરડાની વિરુદ્ધ મતદાન કર્યું હતું. સત્તાધારી લેબર પાર્ટીના 234 સાંસદોએ ખરડાની તરફેણમાં જ્યારે 147 સાંસદોએ ખરડાની વિરુદ્ધ મતદાન કર્યું હતું. ખરડા પર મતદાન પહેલાં હાઉસમાં પાંચ કલાક લાંબી ચર્ચા યોજાઇ હતી.
આ ઐતિહાસિક પગલા બાદ પણ આ ખરડાએ હજુ સંસદમાં ઘણા અવરોધ પાર કરવાના છે. તેથી તે આગામી એપ્રિલ માસ પહેલાં સાંસદો સમક્ષ રજૂ કરાય તેવી કોઇ સંભાવના નથી. સરકાર હવે આ ખરડા પર કામ કરવા માટે સહાય કરવા એક મંત્રીને કામગીરી સોંપશે. ત્યારબાદ ફરી એકવાર હાઉસ ઓફ કોમન્સમાં ખરડા પર મતદાન યોજાશે. તેમાં સફળતા મળશે તો વધુ વિચારણા માટે ખરડો હાઉસ ઓફ લોર્ડ્સમાં મોકલી અપાશે. હાઉસ ઓફ લોર્ડ્સની મંજૂરી મળ્યા બાદ પણ તેનો અમલ કરવો કે નહીં તેનો સમયગાળો બે વર્ષનો રહેશે.
આસિસ્ટેડ ડાઇંગ બિલ એક નજરે
- લેબર સાંસદ કિમ લીડબીટર દ્વારા રજૂ કરાયેલો પ્રાઇવેટ ખરડો
- ગંભીર અને અસાધ્ય બીમારીથી પીડાતા દર્દીને ઇચ્છા મૃત્યુનો અધિકાર આપતી જોગવાઇ
- દર્દી 18થી વધુ વર્ષનો અને ઇંગ્લેન્ડ તથા વેલ્સમાં વસવાટ કરતો હોવો જોઇએ, ઓછામાં ઓછા 12 મહિનાથી જીપીમાં નોંધણી હોવી ફરજિયાત
- ઇચ્છા મૃત્યુ પસંદ કરવાની માનસિક સ્થિતિમાં હોવો જોઇએ, તેના દ્વારા વ્યક્ત કરાયેલી ઇચ્છા સ્પષ્ટ, કોઇપણ દબાણ વિનાની હોવી જોઇએ
- દર્દીની જીવવાની સંભાવના 6 માસથી ઓછી હોવી જોઇએ
- દર્દીએ બે અલગ ડેકલેરેશન આપવા પડશે, તેના પર સાક્ષીના હસ્તાક્ષર જોઇશે
- બે સ્વતંત્ર ડોક્ટર દ્વારા દર્દીની સ્થિતિની સમીક્ષા, બે સમીક્ષા વચ્ચે ઓછામાં ઓછો સાત દિવસનો સમય હોવો જોઇએ
- ડોક્ટરોની સમીક્ષા બાદ હાઇકોર્ટના જજની સંમતિ પ્રાપ્ત કરવી પડશે, જજની સંમતિ બાદ દર્દીએ 14 દિવસ રાહ જોવી પડશે જે દરમિયાન તે પોતાની ઇચ્છા બદલી શકે છે
- દર્દીને મોત આપતું સોલ્યૂશન ડોક્ટર દ્વારા તૈયાર કરાશે પરંતુ તે દર્દીએ જાતે લેવાનું રહેશે
- કોઇ દર્દી પર દબાણ કરીને અથવા તો પ્રક્રિયામાં અપ્રમાણિકતા જણાશે તો દોષી વ્યક્તિને 14 વર્ષ કેદની જોગવાઇ


