ઇ-વિઝા ઉપલબ્ધ ન થતાં લાખો માઇગ્રન્ટ્સ પરેશાન

ડિસેમ્બર 2024ના અંતથી નવી ડિજિટલ ઇમિગ્રેશન સિસ્ટમ અમલી બનશે પરંતુ ઇ-વિઝા ઉપલબ્ધ કરાવવામાં હોમ ઓફિસના ધાંધિયા

Tuesday 03rd December 2024 10:09 EST
 
 

લંડનઃ હોમ ઓફિસે સ્વીકાર્યું છે કે યુકેમાં વસવાટ અને કામ કરવાનો અધિકાર ધરાવતા ઘણા લોકોને તેમના ઇ-વિઝા ઉપલબ્ધ બનતાં નથી અને તેઓ દેશમાં રહેવાની પરવાનગીના પુરાવા આપી શક્તાં નથી. માનવ અધિકાર અભિયાનકર્તાઓએ જણાવ્યું છે કે ઇ-વિઝા ઉપલબ્ધ ન હોવાની સમસ્યાઓના કારણે લાખો લોકો સ્કેન્ડલમાં ફસાઇ શકે છે. અસરગ્રસ્તોને યુકેમાં રહેવાની પરવાનગી તો અપાશે પરંતુ તેઓ નોકરી અથવા તો ભાડાનું મકાન મેળવવા માટેના અધિકારના પુરાવા રજૂ કરી શક્તાં નથી.

ડિસેમ્બર 2024ના અંતથી હોમ ઓફિસ ડિજિટલ ઇમિગ્રેશન સિસ્ટમ અપનાવી રહી છે તેથી યુકેમાં વસવાટની પરવાનગી આપતા બાયમેટ્રિક પરમિટ સહિતના ફિઝિકલ દસ્તાવેજો આપોઆપ રદબાતલ થઇ જશે. મોટી સંખ્યામાં માઇગ્રન્ટ્સે ઇ-વિઝા માટે અરજી કરી છે અને તે મેળવવાનો અધિકાર હોવા છતાં તેમને ઇ-વિઝા પ્રાપ્ત થયાં નથી. લાખો માઇગ્રન્ટ્સ તો 10 યર રૂટ તરીકે ઓળખાતા હોમ ઓફિસ વિઝા ધરાવે છે પરંતુ તેને રિન્યૂ કરાવવા માટે મોટી રકમ ચૂકવવાની થાય છે.

હોમ ઓફિસ કહે છે કે ઇ-વિઝા ઉપલબ્ધ ન હોય તેવી સ્થિતિમાં પુરાવા આપવાની વૈકલ્પિક વ્યવસ્થાઓ છે. પરંતુ કેટલાંક નોકરીદાતાઓ અને એસ્ટેટ એજન્ટ અન્ય કોઇ પુરાવા સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યાં છે. જેના કારણે તેઓ નોકરી અથવા તો ભાડાનું મકાન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.

રેફ્યુજી એન્ડ માઇગ્રન્ટ ફોરમ એસેક્સ એન્ડ લંડનના વડા નિક બીલ્સ કહે છે કે ઇ-વિઝાની સમસ્યાઓ વિન્ડરશ જેવા સ્કેન્ડલને જન્મ આપશે.

નવા વર્ષથી ઇ-વિઝાનું સંપુર્ણ અમલીકરણ મુલતવી રખાય તેવી સંભાવના

 સિસ્ટમમાં ખામી હોવાના કારણે યુકેના નાગરિકો વિદેશોમાં અટવાઇ શકે તેવી ચિંતાઓને જોતાં સરકાર આગામી મહિનાથી ઇ-વિઝાનો સંપુર્ણ અમલ મુલતવી રાખે તેવી સંભાવના છે. ઘણા અરજકર્તા દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે કે તેઓ યુકેમાં પોતાના નિવાસસ્થાને પરત ફરવાનો અધિકાર પુરાવા તરીકે દર્શાવી શકે તે માટે નવી ડિજિટલ ઇમિગ્રેશન સિસ્ટમ દ્વારા મંજૂરી મેળવવામાં નિષ્ફળ જઇ રહ્યાં છે. સરકારે જાહેરાત કરી હતી કે 31 ડિસેમ્બરથી યુકેમાં વસવાટ માટે બાયોમેટ્રિક રેસિડેન્સ પરમિટ સહિતના ફિઝિકલ દસ્તાવેજો માન્ય ગણાશે નહીં. વ્હાઇટહોલના સૂત્રોએ જણાવ્યું છે કે સરકાર ઇ-વિઝાનું 1 જાન્યુઆરીથી સંપુર્ણ અમલીકરણ મુલતવી રાખશે. ચોક્કસ સંજોગોમાં ફિઝિકલ દસ્તાવેજો માન્ય ગણી શકાય તે માટે સરકાર નિયમોમાં સુધારાની સંભાવનાઓ ચકાસી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter