લંડનઃ ફિઝિકલ ઇમિગ્રેશન દસ્તાવેજોનો ઉપયોગ બંધ કરાય તે પહેલાં બ્રિટન તેની ઇ-વિઝા સિસ્ટમમાં રહેલી વર્ષો જૂની ખામીઓ દૂર કરવામાં નિષ્ફળ રહ્યો છે જેના પગલે બ્રિટનમાં કાયદેસર રીતે રહેતાં 40 લાખ લોકોના અધિકારો પર જોખમ તોળાઇ રહ્યું છે. સેંકડો લોકોને તેમના ઇમિગ્રેશન સ્ટેટસ અંગેના નવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ મેળવવામાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે જેના પગલે તેમને વેલ્ફેર પેમેન્ટ માટે અરજી કરવામાં, નોકરીનો અધિકાર પૂરવાર કરવામાં અથવા તો મકાન ભાડે રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
બ્રેક્ઝિટ બાદ બ્રિટનમાં સેટલ થવા અરજી કરનારા યુરોપિયન સંઘના નાગરિકો માટે 2019માં ઇમિગ્રેશન સ્ટેટસ માટે ઇલેક્ટ્રોનિક રેકોર્ડનો પ્રારંભ કરાયો હતો. ઇમિગ્રેશન સ્ટેટસન ચકાસણી માટે હવે ફક્ત એક જ ઓનલાઇન સિસ્ટમ પર જ આધાર રાખવાના ભાગરૂપે હવે તમામ નોન ઇયુ માઇગ્રન્ટ્સ અને રેફ્યુજી માટે પણ નવા ઇ-વિઝા શરૂ કરાયા છે. પરંતુ ડેટા મિક્સ થઇ જવા, એકાઉન્ટ બનાવવામાં મુશ્કેલીઓ અને સમગ્ર સિસ્ટમ ઠપ થવાના કારણે આ યોજના બિસ્માર બની ગઇ છે.
ઇ-વિઝા પ્રાપ્ત કરવાના પ્રયાસ કરતા યુરોપિયન સંઘના 3 મિલિયન લોકોના સંગઠનના વડા એન્ડ્રીયા ડુમિટ્રાશે જણાવ્યું હતું કે, સિસ્ટમ સદંતર નિષ્ફળ જઇ રહી છે. સરકાર દ્વારા થઇ રહેલા અમલમાં ઘણી ખામીઓ રહેલી છે. તેના કારણે વ્યક્તિના સમગ્ર જીવન પર અસર થઇ રહી છે.
જોકે સરકાર દલીલ કરી રહી છે કે ઓનલાઇન ઓન્લી સિસ્ટમની સંપુર્ણ ચકાસણી કરાઇ છે. આ સિસ્ટમથી ઇમિગ્રેશનની સુરક્ષા અને અસરકારકતામાં વધારો થશે.
માર્ચ મહિનામાં સર્જાયેલી ખામીના કારણે કેટલાક લોકોને તેમના યુકે વિઝા અને ઇમિગ્રેશન એકાઉન્ટ સાથે ખોટી ઓળખ ધરાવતા દસ્તાવેજો સંકળાયેલા મળી આવ્યા હતા. આમ તો ઇ-વિઝા હાંસલ કરવાની મુદત 2024ના અંત સુધીની જ હતી પરંતુ વ્યાપક ફરિયાદો બાદ લેબર સરકારે 31 માર્ચ સુધી મુદત લંબાવી હતી. હવે આ મુદત 1 જૂન સુધી લંબાવી દેવાઇ છે.
રાઇટ્સ ગ્રુપોની ફરિયાદ છે કે સિસ્ટમની શરૂઆત કરાઇ ત્યારથી સર્જાઇ રહેલી સમાન ટેકનિકલ ખામીઓ છતાં તેમાં કોઇ મોટા બદલાવ કરાયાં નથી. ઓનલાઇન ઇમિગ્રેશન સ્ટેટસ પ્રાપ્ત કરવાની સિસ્ટમ ઉતાવળે તૈયાર કરાઇ છે. સરકાર ઇમિગ્રેશન જરૂરીયાતો માટે જરાપણ તૈયાર દેખાતી નથી.