લંડન
ઇંગ્લિશ ચેનલ નાની હોડીઓ દ્વારા પાર કરી બ્રિટનમાં ગેરકાયદેસર રીતે આવતા વિદેશી ઘૂસણખોરોને અટકાવવા તાજેતરમાં વડાપ્રધાન રિશી સુનાકે ફ્રાન્સને 500 મિલિયન પાઉન્ડની સહાય આપવાની સંધિ કરી છે પરંતુ તેની સામે ભારતીય સમુદાયમાં જ ગણગણાટ જોવા મળી રહ્યો છે. હોમ ઓફિસના આંકડા અનુસાર ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા વિદેશી ઘૂસણખોરોમાં ભારતીયો ત્રીજા સ્થાને છે. જોકે રિશી સુનાક દ્વારા કરાયેલી સંધિ મામલે ભારતીય સમુદાયના લોકોમાં જ મતભેદો પ્રવર્તી રહ્યાં છે.
પોતાના બિઝનેસમાં માઇગ્રન્ટ્સને મોટાપાયે નિયુક્ત કરતા સાઉથહોલના બિઝનેસમેન બલજિત માલ્હી કહે છે કે માનવ તસ્કરો યુકેમાં ઘૂસણખોરી માટે નવો કોઇ માર્ગ શોધી કાઠશે તેથી ફ્રાન્સને આટલી મોટી રકમ આપવી કરદાતાઓના નાણાનો બગાડ જ છે. તેના સ્થાને યુકેએ વર્ક પરમિટની શરતો હળવી બનાવવી જોઇએ જેથી વિદેશીઓ યુકેમાં કાયદેસર રીતે આવે, કામ કરે અને ટેક્સ ચૂકવે. યુકેમાં જન્મેલા બાળકો મજૂરીના કામ કરવાનું પસંદ કરતા નથી. તેથી કન્સ્ટ્રક્શન, હોસ્પિટાલિટી જેવા સેક્ટરોને વિદેશી કામદારો પર આધાર રાખવો પડે છે. સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વર્કિંગ અવર્સમાં પણ વધારો કરવો જોઇએ. સમસ્યા એ છે કે જેમને કામ કરવું છે તેમને કામ કરવા દેવાતું નથી અને જેમને કામ કરવું નથી તેવા લોકોને ઘેર બેઠા લાભ આપવામાં આવે છે.
આઇટી પ્રોફેશનલ રમણસિંહ કહે છે કે કોઇપણ દેશમાં પ્રવેશ માટેની એક ચોક્કસ પ્રક્રિયા હોવી જોઇએ. હું પણ ભારતથી યુકે આવ્યો હતો પરંતુ મેં સતત આ દેશમાં યોગદાન આપ્યું છે. આ બોટ સિસ્ટમનો અંત આવવો જોઇએ.
ગ્રેવ્સએન્ડના રહેવાસી ભુપિન્દરસિંહ રૈના કહે છે કે દાયકાઓ પહેલાં માઇગ્રેશન સિસ્ટમ આટલી જટિલ નહોતી ત્યારે હું યુકે આવ્યો હતો. યુકેએ ફ્રાન્સમાં ડિટેન્શન સેન્ટર બનાવવા પાછળ નાણા વેડફવાના બદલે તેના અર્થતંત્રના સુધારા, જનતા માટે મૂડીરોકાણ, તાલીમ પર ખર્ચ કરવા જોઇએ. યુકેએ ફ્રાન્સમાં નાણા વેડફવાને બદલે તેના અર્થતંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.
જોકે રિશી સુનાકની ડીલની તરફેણ પણ ભારતીય સમુદાયના લોકો કરી રહ્યાં છે. ફેલ્ધમ અને હેસ્ટનના સાંસદ સીમા મલ્હોત્રા કહે છે કે આ એક આંતરરાષ્ટ્રીય સમસ્યા છે અને તેનો ઉકેલ પણ આંતરરાષ્ટ્રીય જ હોઇ શકે. હિલિંગ્ડનના ત્રિશા કહે છે કે રિશી સુનાક દ્વારા કરાયેલી સંધિ ઘણી સારી છે. માનવ તસ્કરી ગેરકાયેદસર છે અને આ સંધિ ઘૂસણખોરી માટે ભયજનક રસ્તો અપનાવનારાને બચાવશે.
મૂળ કેરળના અને હાલ હાર્લોમાં રહેતા ફિલિપ જોસ કહે છે કે યુકે અને ફ્રાન્સ માટે આ એક મહાન ડીલ છે. વડાપ્રધાન રિશી સુનાકે મહત્વની સફળતા હાંસલ કરતી કામગીરી કરી છે. તેનાથી બ્રિટનની સરહદો વધુ સુરક્ષિત બનાવી શકાશે. આ ડીલ માટે હું રિશી સુનાકને અભિનંદન પાઠવું છું. જોકે જિજિ ફિલિપ આ સાથે સહમત થતા નથી. તેમણે જણાવ્યું હતું કે, આ નવી સંધિ ટૂંકાગાળાનું સમાધાન છે. તેનાથી ગેરકાયદેસર માઇગ્રેશનની સમસ્યાનો ઉકેલ આવી જવાનો નથી.
ન્યૂ સ્કોટલેન્ડ યાર્ડના પૂર્વ ડિટેક્ટિવ સુપ્રિટેન્ડેન્ટ ગુરદીપ સિંહ કહે છે કે રવાન્ડા પ્લાન કરતાં આ એક સારો ઉકેલ છે. બોરિસ જ્હોન્સનના કાર્યકાળમાં ફ્રાન્સ સાથેના સંબંધો વણસ્યા હતા પરંતુ રિશી સુનાકે સાચી દિશામાં પગલું ભર્યું છે. તેનાથી જીવનો બચાવી શકાશે અને દાણચોરોને અટકાવી શકાશે. આ સંધિ બાદ યુકેમાં માઇગ્રેશન માટેના લીગલ રૂટનો વિસ્તાર કરી શકાશે.


