ઇંગ્લિશ ચેનલ પાર કરી આવતા માઈગ્રન્ટ્સમાં કોરોના ચેપનો ભય

Wednesday 15th April 2020 06:24 EDT
 
 

 લંડનઃ દરિયો પાર કરીને દરરોજ વિશાળ સંખ્યામાં માઇગ્રન્ટ્સ બ્રિટન પહોંચી રહ્યાં છે. બ્રિટનના દરિયાકિનારે બોર્ડર ફોર્સ દ્વારા દર સપ્તાહે ૧૩૦ માઇગ્રન્ટ્સને અટકાવાય છે. જોકે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ફ્રાન્સમાં પણ મોટાપાયે કોરોના મહામારીએ કહેર વરસાવ્યો છેત્યારે ત્યાંથી આવતા માઇગ્રન્ટ્સની કોરોના વાઇરસના સંક્રમણ સંબંધી કોઇ તપાસ કરાતી નથી. ફ્રેન્ચ રેફ્યુજી માઇગ્રન્ટ કેમ્પોમાં ઇન્ફેક્શન ફેલાવાનો ભય તથા શક્યતા વધી છે.

ગત મંગળવારે ચાર હોડીમાં ૬૩ માઇગ્રન્ટને અટકાવાયા હતા. ચાર દિવસમાં ૧૩૦ માઇગ્રન્ટ પહોંચ્યા છે. મોટી સંખ્યામાં ફ્રેન્ચ માઇગ્રન્ટ આવે છે છતાં, તેઓ સંક્રમણથી પ્રભાવિત છે કે નહિ તેની તપાસની કોઈ વ્યવસ્થા ગોઠવાઇ નથી. હોમ ઓફિસ આશ્રય માંગનારાઓમાં કોરોના વાઇરસના લક્ષણો અંગે નજર રાખી રહ્યાં છે.

ઇસ્ટ સસેક્સના દરિયાકિનારે મોટાપાયે કોસ્ટગાર્ડ, લાઇફબોટસ અને રેસ્કયૂ ટીમ પોલીસ અને બોર્ડર ફોર્સ સાથે મળીને આશ્રિતોની તલાશી અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવે છે. જોખમી ઇંગ્લિશ ચેનલ પારી કરીને કપરા સંજોગોમાં પણ આશ્રય માટે આવનારાની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે.

માઈગ્રન્ટ શિબિરોમાં આશ્રિતોની સંખ્યા વધતા તથા સુવિધા અને સંકલનના અભાવે કોરોના વાઇરસનું સંક્રમણ વધવાનો ભય પણ વધ્યો છે. ફ્રાન્સમાં માઇગ્રન્ટ કેમ્પમાં કોરોના વાઇરસનું સંક્રમણ ધરાવતી વ્યક્તિઓની સંખ્યા વધતા અનેક માઇગ્રન્ટ દરિયો પાર કરીને સલામતી માટે બ્રિટનના કિનારે પહોંચી રહ્યાં છે. ફ્રાન્સમાં માઇગ્રન્ટ કેમ્પોમાં સહાય કરતા સંગઠનોએ પણ કોરોના કટોકટીના કારણે કામગીરી બંધ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter