ઇંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટનમાં ઘૂસનારા વિદેશીઓમાં ભારતીયો ત્રીજા સ્થાને

ભારતીય વિદ્યાર્થીઓ રાજ્યાશ્રયના નિયમોનો દુરુપયોગ કરી રહ્યા હોવાનો આરોપ

Wednesday 08th February 2023 06:14 EST
 
 

લંડન

નાની હોડીઓ દ્વારા ઇંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટનમાં ઘૂસણખોરી કરનારા વિદેશીઓમાં ભારતીયો ત્રીજા સ્થાને છે. હોમ ઓફિસના જણાવ્યા અનુસાર ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા આ ચેનલનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. હોમ ઓફિસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બ્રિટનમાં રાજ્યાશ્રયની માગ કરનાર અભ્યાસ કરી શકે છે અને તેને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકેની તગડી ફીના બદલે સ્થાનિક વિદ્યાર્થીની જેમ ઓછી ફી ભરવી પડે છે. રાજ્યાશ્રયના નિયમોમાં રહેલા આ છીંડાનો ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

જાન્યુઆરી 2023માં ઇંગ્લિશ ચેનલ પાર કરીને 250 જેટલા ભારતીય નાગરિકો યુકે પહોંચ્યા છે. 2022ના પ્રથમ 9 મહિનામાં 233 ભારતીયો આ રીતે બ્રિટનમાં પ્રવેશ્યા હતા. જે દર્શાવે છે કે ભારતીયો દ્વારા હવે બ્રિટનમાં ઘૂસવા માટે ઇંગ્લિશ ચેનલના રૂટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતીય ઘૂસણખોરોની સંખ્યામાં વધારાના કારણે હોમ ઓફિસની ચિંતામાં વધારો થયો છે. હોમ ઓફિસને ચિંતા છે કે 140 કરોડની વસતી ધરાવતા દેશના વધુ લોકો આ રૂટથી બ્રિટનમાં ઘૂસવાનો પ્રયાસ કરી શકે છે.

ભારતીયો યુરોપ અને બ્રિટન પહોંચવા માટે સર્બિયાનો ઉપયોગ કરી રહ્યાં છે. ભારતીયો કોઇપણ પ્રકારના વિઝા વિના સર્બિયા પહોંચી શકે છે અને 30 દિવસ રોકાણ કરી શકે છે. તેથી ભારતીયો પહેલા સર્બિયા પહોંચે છે અને ત્યાંથી વાયા યુરોપ થઇને બ્રિટન પહોંચી રહ્યાં છે. જોકે 1 જાન્યુઆરીથી સર્બિયાએ યુરોપિયન યુનિયનની વિઝા નીતિઓ અમલી બનાવતા હવે આ રૂટ બંધ થયો છે અને ભારતીયો યુરોપિયન યુનિયનના દેશોમાં પહોંચીને ત્યાંથી નાની હોડીઓ દ્વારા ઇંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટન પહોંચી રહ્યાં છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter