લંડનઃ ઇંગ્લિશ ચેનલમાં રશિયાના શેડો ફ્લીટના ઓઇલ ટેન્કરને જપ્ત કરવા માટે બ્રિટિશ દળો દ્વારા હાથ ધરવામાં આવેલા લશ્કરી ઓપરેશન બાદ ભારતીય મૂળના કેપ્ટન સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 38 વર્ષીય ભારતીય નાગરિક અજય પંત પર યુકેના કડક રશિયા વિરોધી પ્રતિબંધોના કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં દોષિત ઠરવા પર તેમને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
ઇંગ્લીશ ચેનલની આંતરરાષ્ટ્રીય જળસીમામાં બ્રિટિશ સુરક્ષા દળો દ્વારા આશરે છ કલાક સુધી ચાલેલા સંયુક્ત ઓપરેશન બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. બ્રિટિશ દળો દ્વારા કોઈ પ્રતિબંધિત જહાજને દરિયામાં જ સશસ્ત્ર કાર્યવાહી કરીને કબજે લેવામાં આવ્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે.


