ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં 7 મેના રોજ ચૂંટણી યજ્ઞ યોજાયો

સબહેડઃ સ્કોટલેન્ડ સંસદની 129 બેઠક અનો વેલ્સની સેનેડની 96 બેઠક પર મતદાન, ઇંગ્લેન્ડની 136 કાઉન્સિલ અને 6 શહેરના મેયરની પણ ચૂંટણી, ઇંગ્લેન્ડની કાઉન્સિલોની 5,000 કરતાં વધુ બેઠકો પર લેબરના 4900, રિફોર્મ યુકેના 4800 અને કન્ઝર્વેટિવ પાર્ટીના 4700 ઉમેદવાર મેદાનમાં

Tuesday 05th May 2026 11:17 EDT
 
 

લંડનઃ ઇંગ્લેન્ડના વિવિધ ભાગો સહિત સ્કૉટલેન્ડ અને વેલ્સમાં 7 મે, ગુરુવારના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી. વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીઓ બાદ યુકેમાં યોજાનારો આ સૌથી મોટી ચૂંટણી જંગ છે, જેમાં લાખો મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ અંક તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં પરિણામ જાહેર થઇ ચૂક્યાં હશે.

7 મેના રોજ સ્કૉટિશ સંસદ અને વેલ્સની સેનેડ ઉપરાંત ઇંગ્લેન્ડની 136 કાઉન્સિલ અને 6 મેયર પદો માટે મતદાન થયું હતું.  સ્કૉટલેન્ડમાં મતદારોએ એડિનબરો સ્થિત 129 બેઠકો ધરાવતી સંસદના નવા સભ્યોની પસંદગી કરી હતી. વેલ્સમાં કાર્ડિફ સ્થિત 'સેનેડ' માટે મતદાન થયું હતું. આ વખતે બેઠકોની સંખ્યા 60 થી વધારીને 96 કરવામાં આવી છે.

ઇંગ્લેન્ડમાં લંડનના તમામ 32 બરો સહિત કુલ 136 સ્થાનિક સત્તામંડળોમાં 5,000 થી વધુ બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. ક્રોયડન અને હેકની સહિત 6 શહેરોમાં મેયરની ચૂંટણી થઇ હતી.

ઇંગ્લેન્ડની સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીએ સૌથી વધુ 4,900 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારબાદ રિફોર્મ પાર્ટી (4,800) અને કન્ઝર્વેટિવ પાર્ટી (4,700) નો ક્રમ આવે છે. ગ્રીન્સ અને લિબરલ ડેમોક્રેટ્સે પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ઊભા રાખ્યા હતાં.

સ્કૉટલેન્ડમાં તમામ 73 મતવિસ્તારોમાં SNP, લેબર, કન્ઝર્વેટિવ અને રિફોર્મ પાર્ટી વચ્ચે સીધો જંગ છે. જ્યારે વેલ્સમાં આ વખતે નવી મતદાન પ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે, જેમાં 16 સુપર-મતવિસ્તારોમાંથી સભ્યોની પસંદગી થશે.

ઇંગ્લેન્ડમાં લેબર પાર્ટી હાલમાં અડધાથી વધુ કાઉન્સિલ બેઠકો પર કબજો ધરાવે છે, જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટી પાસે ચોથા ભાગની બેઠકો છે. સ્કૉટલેન્ડમાં સીમાંકનમાં ફેરફાર છતાં કુલ 129 બેઠકો યથાવત છે. 2021માં SNP 64 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ હતો.

વેલ્સમાં બેઠકોની સંખ્યામાં વધારો અને નવી પ્રણાલીને કારણે જૂના પરિણામો સાથે સીધી સરખામણી કરવી મુશ્કેલ બનશે.

ગુરુવાર, 7 મેના રોજ સવારે 7:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. 8 મેના રોજ સ્કૉટલેન્ડ અને વેલ્સમાં મતગણતરી દિવસ દરમિયાન થઇ હતી. ઇંગ્લેન્ડની મોટાભાગની કાઉન્સિલ અને મેયર પદના પરિણામો પણ આ દિવસે જાહેર થયાં હતાં. . 9 મેના રોજ બ્રેડફોર્ડ અને ક્રોયડન સહિત ચાર સ્થાનિક સત્તામંડળોની મતગણતરી થઇ હતી. જેના અંતિમ પરિણામો સાંજ સુધીમાં આવ્યાં હતાં.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter