ઇંગ્લેન્ડ અને વેલ્સના 3 લાખથી વધુ શિક્ષકોનો હડતાળ પર જવા નિર્ણય

ફેબ્રુઆરીમાં હડતાળોની ભરમાર જારી રહેશે, 1 ફેબ્રુઆરીએ સમગ્ર બ્રિટન ઠપ થવાની ભીતિ, શિક્ષકોની 7 દિવસની હડતાળમાં સ્વયંસેવકો અને રિમોટ લર્નિંગની મદદ લેવા સરકારની સૂચના

Wednesday 18th January 2023 06:16 EST
 
 

લંડન

ઇંગ્લેન્ડ અને વેલ્સના 2,50,000 કરતાં વધુ શિક્ષકોએ પગારના મુદ્દે 7 દિવસ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. નેશનલ એજ્યુકેશન યુનિયનના સભ્ય એવા 3 લાખ કરતાં વધુ શિક્ષકો પૈકીના 50 ટકાથી વધુએ હડતાળની તરફેણમાં મતદાન કરતાં હડતાળ નિશ્ચિત બની છે. પહેલી ફેબ્રુઆરીએ પબ્લિક એન્ડ કોમર્શિયલ સર્વિસિઝ યુનિયનના એક લાખ સરકારી કર્મચારીઓની સાથે હવે 3 લાખ કરતાં વધુ શિક્ષકો પણ હડતાળ પર જશે જેના કારણે 24000 શાળાઓ અને એજ્યુકેશન સેન્ટરમાં શૈક્ષણિક કાર્ય ખોરવાઇ જશે. . જોકે શાળાનો સપોર્ટ સ્ટાફ હડતાળ માટે જરૂરી 50 ટકા કર્મચારીનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો. સરકારે શિક્ષકોને પાંચ ટકા પગારવધારાની ઓફર આપી છે પરંતુ શિક્ષકોએ આ ઓફરને નકારી કાઢી છે. જાન્યુઆરીમાં વિવિધ સેક્ટરોમાં હડતાળ જારી રહેવાની છે. સરકારે શાળાઓને શિક્ષકોની હડતાળ દરમિયાન સ્વયંસેવકો અને રિમોટ લર્નિંગની મદદથી શિક્ષણ કાર્ય જારી રાખવાની સૂચના આપી છે. 1 ફેબ્રુઆરી બાદ 14 ફેબ્રુઆરીના રોજ વેલ્સ અને 15-16 માર્ચના રોજ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શિક્ષકો હડતાળ પર જશે. ઇંગ્લેન્ડમાં શિક્ષકો દ્વારા 28 ફેબ્રુઆરીથી બીજી માર્ચ એમ 3 દિવસ હડતાળ પડાશે. 1 ફેબ્રુઆરીએ નર્સો, એમ્બ્યુલન્સ સ્ટાફ, ટપાલ કર્મચારીઓ અને રેલવેના કર્મચારીઓ પણ હડતાળ પર જવાના હોવાથી બ્રિટનના ઇતિહાસમાં હડતાળનો સૌથી મોટો દિવસ બની રહેશે.

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં નર્સોએ પગારવધારાના મુદ્દે હડતાળ જારી રાખવાનો નિર્ણય કર્યો છે. ફેબ્રઆરીમાં 6 અને 7 ફેબ્રુઆરીના રોજ નર્સો દ્વારા 12 – 12 કલાકની હડતાળનું આયોજન કરાયું છે. રેલવે યુનિયનોએ પગાર વધારાની નવી ઓફર નકારી કાઢ્યા બાદ ફેબ્રુઆરીમાં ડ્રાઇવરોએ પણ હડતાળની તૈયારી કરી લીધી છે. 1 અને 3 ફેબ્રુઆરીના રોજ રેલવે ડ્રાઇવરો હડતાળ પર જતાં ફરી એકવાર બ્રિટનમાં રેલવે સેવાઓ સ્થગિત થઇ જશે.

ફેબ્રુઆરી-માર્ચમાં યુનિ.ઓના 70,000 કર્મચારી હડતાળ પર જશે

યુકેની 150 યુનિવર્સિટીઓ ખાતે ફરજ બજાવતા 70,000 કરતાં વધુ કર્મચારીઓફેબ્રુઆરી અને માર્ચમાં 18 દિવસ માટે પગાર વધારાના મામલે હડતાળ પર જશે. હડતાળ પર જવાની જાહેરાત કરતાં યુનિવર્સિટી એન્ડ કોલેજ યુનિયને જણાવ્યું હતું કે, 18 દિવસ માટે યુનિવર્સિટીઓને તાળા લાગી જશે. હડતાળની તારીખો હવે પછી જાહેર કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter