લંડનઃ બ્રિટનની સરકારે જેલોમાં સજા કાપી રહેલા ખતરનાક ભૂતકાળ ધરાવતા આતંકવાદી કેદીઓને અન્ય કેદીઓથી અલગ સેપરેશન સેન્ટરમાં રાખવાની જાહેરાત કરી છે. ભયાનક માનસિકતા ધરાવતા કેદીઓ અન્ય કેદીઓમાં કટ્ટરપંથી વિચારધારાનો પ્રસાર-પ્રચાર ન કરે તથા જેલમાં આતંકી પ્રવૃત્તિઓ ન આચરે તે માટે તેમને અન્ય કેદીઓથી અલગ રાખવા નિર્ણય લેવાયો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આતંકવાદ વિરુદ્ધ કડક પગલાં લેવામાં સાંસ્કૃતિક કે ધાર્મિક સંવેદનશીલતાને ધ્યાનમાં નહિ લેવાય.
આતંકવાદ કાનૂન અંગે સ્વતંત્ર સમીક્ષક જોનાથાન હોલ QC દ્વારા ઇંગ્લેન્ડ તથા વેલ્સની જેલોમાં આતંકવાદીઓની પ્રવૃત્તિઓની સમીક્ષાના પગલે સરકારે આ પગલું લીધું છે. હોલના રિપોર્ટ અનુસાર જેલોમાં તાજેતરની આતંકી ઘટનાઓમાં ઇસ્લામિસ્ટ આતંકવાદ જ જોવા મળ્યો છે. બીજું એ કારણ છે કે, જેલોમાં આતંકી ઘટના કે ધમકીની બાબતો બને તો લોકોનો ન્યાય-પ્રક્રિયા પરથી વિશ્વાસ ઊઠી જાય તથા આતંકવાદીઓ જેલમાં જઈને વધારે ખતરનાક બને તથા જેલના અધિકારીઓને પણ આ ખતરનાક આતંકીઓનો ભય રહ્યા કરે, એવી સ્થિતિ તો ન ચાલવી જોઈએ.
જસ્ટિસ સેક્રેટરી ડોમિનિક રાબે જણાવ્યું છે કે, સૌથી વધુ ખતરનાક અને અન્યને પ્રભાવમાં લઈ શકે તેવા કેદીઓને અલગ તારવવા 1.2 મિલિયન પાઉન્ડના ખર્ચે નવી ટીમ રચાશે અને આવા કેદીઓને ત્રણ અલગ સેપરેશન સેન્ટર્સમાં મોકલી અપાશે. સેપરેશન સેન્ટર્સમાં બિલ ઓફ રાઇટ્સ આતંકવાદીઓને જેલોમાં માનવાધિકાર કાનૂનનો દુરુપયોગ કરતા અટકાવશે.
બ્રિટનની મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ દ્વારા પ્રિઝન સર્વિસનું વિસ્તરણ કરવા માટે 6 મિલિયન ડોલર જેટલું રોકાણ કરાશે. સાથોસાથ, ગવર્નરોને સત્તા હેઠળની જેલોમાં આતંકવાદી વર્તન દાખવતા કેદીઓની સાથે વર્તન બાબતે પૂરતી સ્વતંત્રતા અને જેલના સ્ટાફને જેલોમાં આતંકી પ્રવૃત્તિને પારખવા અંગે સઘન તાલીમ અપાશે.
આતંકી ઉસ્માન ખાને 2019માં લંડન બ્રીજ હુમલામાં કરીને બે માણસોને મોતને ઘાટ ઉતાર્યા હતા તે હાઈ પ્રોફાઇલ કેસ સહિતના આતંકવાદી કેસની નોંધ લેવાઈ છે. એક સૈનિકનું મસ્તક કાપી નાખવાના કેસમાં 19 વર્ષની સજા કાપી રહેલા બ્રુસથોમ શિયામાને 2020માં વ્હાઇટમૂર જેલમાં અધિકારીની હત્યાના કેસમાં દોષિત ઠરાવાયો હતો. રીડિંગ પાર્ક આતંકી હુમલામાં ત્રણ વ્યક્તિની હત્યાના કેસમાં આજીવન કેદ કરાયેલો ખૈરી સાદલ્લાહ અગાઉની સજા દરમિયાન કટ્ટરપંથી ઉપદેશકનો મિત્ર રહ્યો હતો.

