લંડનઃ નવા મૃત્યુ પ્રમાણપત્ર નિયમોના કારણે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં અંતિમ ક્રિયાઓમાં સામાન્ય કરતાં 3 સપ્તાહનો વિલંબ થઇ રહ્યો છે. મોતના કારણની ચકાસણી વધુ સુદ્રઢ બનાવવા માટે સપ્ટેમ્બરમાં મૃત્યુના પ્રમાણપત્ર માટે નવી કાયદાકીય જોગવાઇઓ લાગુ કરાઇ હતી. હવે કુદરતી કારણસર થયેલા કોઇપણ મૃત્યુના કિસ્સામાં પ્રમાણપત્ર હાંસલ કરવા માટે મેડિકલ પ્રોફેસનલ અને એક્ઝામિનરના હસ્તાક્ષર ફરજિયાત કરી દેવાયાં છે.
નેશનલ એસોસિએશન ઓફ ફ્યુનરલ ડિરેક્ટર્સના રેચલ બ્રાડબર્ને જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડ અને વેલ્સમાં મૃત્યુ બાદ અંતિમ ક્રિયામાં ચારથી પાંચ સપ્તાહનો વિલંબ થઇ રહ્યો છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ છે. યુકેમાં નિયમોમાં બદલાવ પહેલાં સામાન્ય રીતે અંતિમ ક્રિયા એકથી બે સપ્તાહમાં થઇ જતી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ડેથ મેનેજમેન્ટમાં જીપી, હોસ્પિટલ, રજિસ્ટ્રાર, ફ્યુનરલ ડિરેક્ટર અને ક્રિમેટોરિયમ સુધીના સામેલ હોય છે. સૌથી મોટી સમસ્યા એ છે કે સિસ્ટમમાં પુરતી ક્ષમતા જ નથી. સરકારે નક્કી કરેલી પ્રક્રિયા પ્રમાણે તમે આગળ વધો તો તમારે અલગ અલગ એજન્સી પાસે અલગ અલગ કાર્યવાહી કરવી પડે છે. દરેક વિભાગમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
મેડિકલ એક્ઝામિનરની સંમતિની જોગવાઇએ કામનો બોજો વધારી દીધો છે. તેઓ આ કામને પહોંચી વળી શક્તાં નથી. જીપીઓ પર પણ કામનું ભારણ ઘણું છે. જેના કારણે મૃત્યુ પ્રમાણપત્ર હાંસલ કરવામાં ઘણો વિલંબ થઇ રહ્યો છે.