લંડનઃ લંડનમાં છેલ્લા એક વર્ષમાં પોલીસ સમક્ષ ધાર્મિક અને વંશીય નફરતની ઘટનાઓની લગભગ 20,000 ફરિયાદ નોંધાઇ હતી. આતો ફક્ત પોલીસમાં નોંધાયેલી ફરિયાદોનો આંકડો છે. વણનોંધાયેલી ઘટનાઓની સંખ્યા ઘણી વધુ હોઇ શકે છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 3 વર્ષમાં પહેલીવાર રેસિસ્ટ અને રિલિજિયસ હેટ ક્રાઇમની સંખ્યામાં વધારો નોંધાયો છે.
વિક્ટિમ સપોર્ટ નામની ચેરિટીએ જણાવ્યું હતું કે, આંકડા કહે છે કે પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે. હોમ ઓફિસ અનુસાર માર્ચ 2025માં પૂરા થયેલા એક વર્ષમાં મેટ્રોપોલિટન પોલીસે હેટ ક્રાઇમના 21,560 કેસ નોંધ્યા હતા જેમાંથી 16,397 ફરિયાદ રેસિસ્ટ ક્રાઇમની અને 2901 ફરિયાદ રિલિજિયસ હેટ ક્રાઇમની હતી.
તેવી જ રીતે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં હેટ ક્રાઇમના 1,37,550 કેસ નોંધાયા હતા. લંડનને બાદ કરીએ તો ઇંગ્લેન્ડ અને વેલ્સમાં નોંધાયેલા કેસની સંખ્યા 1,15,990 હતી જે તેના અગાઉના વર્ષ કરતાં બે ટકાનો વધારો દર્શાવે છે. છેલ્લા એક વર્ષમાં વંશીય હેટ ક્રાઇમની સંખ્યા 6 ટકા વધીને 82,490 પર પહોંચી હતી જ્યારે ધાર્મિક હેટ ક્રાઇમની ઘટના 3 ટકાના વધારા સાથે 7,164 થઇ હતી.
જોકે યહૂદીઓ સામે આચરાતા હેટ ક્રાઇમમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષે નોંધાયેલા રિલિજિયસ હેટ ક્રાઇમના કેસમાં 40 ટકા યહૂદીઓ સામે આચરાયેલા હેટ ક્રાઇમ હતા.